Advertisement

શું તમે જાણો છો? પ્રાકૃતિક ખેતીમાં 'બીજામૃત'નું મહત્વ અને તેને બનાવવાની રીત.

શું તમે જાણો છો? પ્રાકૃતિક ખેતીમાં 'બીજામૃત'નું મહત્વ અને તેને બનાવવાની રીત.

આણંદ : દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવીને ખેતીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવા માટે વડાપ્રધાનશ્રીએ દેશભરના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું છે. જે અન્વયે ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં લાખોની સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભરતા તરફ ડગ ભરી રહ્યાં છે.


 પ્રાકૃતિક ખેતી કોઇપણ રસાયણ પર આધારિત નથી જેથી ખેડૂતોને રસાયણ પર થતા ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે તેથી તેને પર્યાવરણ મિત્ર ખેતી પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીથી દેશી ગાયનું જતન- સંવર્ધન થાય છે. લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે છે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના સારા ભાવ મળે છે જેનાથી ખેડૂતોની આવક વધે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવે છે.

 

 આવો આજે આપણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સફળ બનાવતું એવું મહત્વનું આયામ બીજામૃત તૈયાર કરવાની પ્રક્રિયા વિશે જાણીએ. બિજામૃત તૈયાર કરવા માટે ખેડૂતોએ ૦૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૦૫ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, ૫૦ ગ્રામ ચુનો અને ૦૧ મુઠી ઝાડ નીચેની માટીને ૨૦ લીટર પાણીમાં મિશ્રણ કરી તૈયાર કરાય છે. જે ૧૦૦ કિ.ગ્રા. બિયારણને પટ આપવા માટે ૨૪ કલાક બાદ ઉપયોગમાં લઈ શકાય છે.

 

બીજામૃતની વૈજ્ઞાનિક અગત્યતા અને ફાયદાઓને જોઈએ તો બીજામૃતમાં રહેલા દેશી ગાયના છાણમાં અસંખ્ય ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, જે બીજની આસપાસ સુરક્ષા કવચ બનાવે છે. ગૌમૂત્ર કુદરતી ફૂગનાશક તરીકે કામ કરે છે, જે બીજને જમીનજન્ય રોગો અને ફૂગથી બચાવે છે. ચૂનો મિશ્રણમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવે છે, જે છોડના કોષોના બંધારણમાં મદદરૂપ થાય છે. જ્યારે ઝાડ નીચેની માટી જમીનમાં લુપ્ત થતા ઉપયોગી બેક્ટેરિયાનું સંવર્ધન કરે છે. આ પ્રક્રિયાથી બીજનો અંકુરણ દર વધે છે અને છોડ શરૂઆતથી જ તંદુરસ્ત અને મજબૂત બને છે.

 

માત્ર બીજામૃત જ નહીં, પરંતુ પ્રાકૃતિક ખેતીના અન્ય બે સ્તંભો 'જીવામૃત' અને 'ઘન જીવામૃત' પણ એટલા જ અનિવાર્ય છે. જીવામૃત જમીનમાં અળસિયા અને સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિને વેગ આપી જમીનને ફળદ્રુપ અને છિદ્રાળુ બનાવે છે, જેનાથી પાણીનો સંગ્રહ કરવાની શક્તિ વધે છે. જ્યારે ઘન જીવામૃત લાંબા ગાળા સુધી જમીનમાં પોષક તત્વો પૂરા પાડે છે. આ પદ્ધતિઓ અપનાવવાથી ખેતીમાં શૂન્ય ખર્ચનું લક્ષ્ય સિદ્ધ થાય છે, કારણ કે તમામ સાધનો ખેડૂતના ઘરે જ ઉપલબ્ધ હોય છે, જેથી ખેડૂત સાચા અર્થમાં આત્મનિર્ભર બને છે તે વાત યથાર્થ થાય છે.

 

આમ પાણી, પર્યાવરણ અને પ્રાણને પોષતી ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતીની વ્યવસ્થા એવી ખેત વ્યવસ્થા છે, કે જેનાથી પોષણક્ષમ ખેત ઉત્પાદન કરી ખેડૂતનું જીવન ધોરણ સુધારી શકાય છે તેમજ જમીનની, પાણી, પર્યાવરણ અને માનવ આરોગ્યને લાંબાગાળે સંરક્ષિત કરી શકાય છે. 

Advertisement