Advertisement

શું ગુજરાતમાં કોઈ મોટું કાવતરું? પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસોને ઉડાવી દેવાની ધમકી.

શું ગુજરાતમાં કોઈ મોટું કાવતરું? પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસોને ઉડાવી દેવાની ધમકી.

ગુજરાત: રાજ્યના મુખ્ય શહેરોમાં આજે (27મી ફેબ્રુઆરી) સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. સુરતની પાસપોર્ટ ઓફિસ તેમજ ભાવનગર, અમરેલી, જામનગર, વલસાડ અને નવસારીની હેડ પોસ્ટ ઓફિસોને સત્તાવાર ઈ-મેઈલ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો એક્શન મોડમાં આવી ગઈ છે. એકસાથે અનેક શહેરોમાં આવેલી આ ધમકીઓને પગલે સમગ્ર રાજ્યના પોલીસ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે.


સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર પરિસરમાં ખૂણેખૂણાની તપાસ કરી હતી. પાસપોર્ટ કચેરીમાં કામકાજ માટે આવેલા અરજદારોમાં આ ઘટનાને પગલે ભારે ફાળ વ્યાપી ગઈ હતી. બીજી તરફ, સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ સમાન પ્રકારની ધમકી મળતા ગભરાટ ફેલાયો હતો. ભાવનગર હેડ પોસ્ટ ઓફિસના ડિવિઝનલ વડાને ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ સ્થાનિક પોલીસે ઓફિસની સુરક્ષા વધારી સર્ચ હાથ ધર્યું હતું, જ્યારે અમરેલીમાં સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરાવી ફાયર ટીમ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે.


જામનગર અને દક્ષિણ ગુજરાતમાં પણ ધમકીનો સિલસિલો યથાવત રહ્યો હતો. જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને નિશાન બનાવવામાં આવતા એલ.સી.બી., એસ.ઓ.જી. અને બોમ્બ સ્ક્વોડ સહિતનું સુરક્ષાતંત્ર દોડતું થયું હતું. મુલાકાતીઓ અને કર્મચારીઓને બહાર કાઢી સમગ્ર ઓફિસ ખાલી કરાવીને બારીકાઈથી તપાસ હાથ ધરવામાં આવી છે. આવી જ રીતે વલસાડ હેડ પોસ્ટ ઓફિસ અને નવસારીના નાગ તલાવડી વિસ્તારની પોસ્ટ ઓફિસને પણ બોમ્બની ધમકી મળતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.


રાજ્યભરમાં એકસાથે વિવિધ શહેરોમાં મળેલી આ ધમકીઓ પાછળ કોઈ ચોક્કસ ષડયંત્ર છે કે પછી આ કોઈની ટીખળ છે, તે જાણવા માટે સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ છે. ઈ-મેઈલના આઈપી એડ્રેસના આધારે ધમકી આપનાર શખ્સો સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, અત્યાર સુધીના સર્ચ ઓપરેશનમાં ક્યાંયથી પણ કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કચાસ રાખ્યા વિના ભીડભાડ વાળા વિસ્તારો અને સરકારી ઈમારતોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.

Advertisement