શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ગંભીર માસિક સ્ત્રાવ અને પેટની નીચેના ભાગમાં તીવ્ર દુખાવાથી પીડાતી યુગાન્ડાની 28 વર્ષની મહિલાની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી. જે ઈમર્જન્સી ગાયનેક સારવારનું મહત્વનું દ્રષ્ટાંત પૂરું પાડે છે.
મહિલા દર્દીને માસિક સ્ત્રાવ દરમ્યાન વધુ પડતો રક્તસ્ત્રાવ થતો હતો અને દુખાવો પણ રહેતો હોવાથી દરરોજ ઈન્જેક્શન લેવાની જરૂરિયાત ઉભી થઈ હતી. આ ગંભીર પરિસ્થિતિની ઈમર્જન્સી સારવાર માટે તેના દેશમાં આરોગ્ય સંભાળ અને આરોગ્યકર્તાઓની ઉપલબ્ધિ ન હતી. તેના મિત્ર દ્વારા મહિલાને શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે સારવારઅર્થે મોકલી આપવામાં આવી હતી. આ મિત્રને શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે અગાઉ અન્ય સ્પેશ્યાલિટીમાં સારવાર લેવાનો અનુભવ હતો.
સિનિયર સ્ત્રી રોગ અને પ્રસુતિના નિષ્ણાત ડો. નીતિન રાયઠઠ્ઠાએ દર્દીની તપાસ કરી હતી અને મિનિમલ ઈન્વેસિવ પદ્ધતિ દ્વારા લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં આવી હતી. આધુનિક પદ્ધતિના ઉપયોગને કારણે આ સર્જરીમાં ઓછો રક્તસ્ત્રાવ અને ઝડપથી રિકવરી થઈ હતી. તથા હોસ્પિટલની એનેસ્થેશિયા ટીમે પણ સર્જરી દરમ્યાન અને સર્જરી બાદ દર્દીની રિકવરી માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ કેસ અંગે ડો. રાયઠઠ્ઠાએ જણાવ્યું હતું કે, માસિક સ્ત્રાવ દરમ્યાન મહિલાને વધુ પડતો રક્તસ્ત્રાવ થાય અને પેલ્વિક પેઈન થાય તો તેને ગાયનેકોલોજીકલ ડિસઓર્ડર કહી શકાય અને તેના માટે તાત્કાલિક મેડિકલ સારવારની જરૂરિયાત ઊભી થતી હોય છે પરંતુ યુગાન્ડા જેવા વિકસિત દેશમાં તાત્કાલિક ગાયનેકોલોજી સારવારની સુવિધા ન હોવાને કારણે દર્દીને સારવારઅર્થે અન્ય દેશમાં જવાની જરૂરિયાત ઊભી થાય છે.
સારવાર બાદ દર્દીની સ્થિતિમાં સુધારો થયો હતો અને બીજે દિવસે સર્જરી બાદ ચાલતા થયા હતા. દર્દીએ ડોક્ટરની કુશળતા અને નર્સિંગ સ્ટાફ તથા સપોર્ટ સ્ટાફના માનવતાવાદી વલણ માટે પ્રશંસા કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો. તેણીએ અન્ય દર્દીઓને પોતાના દેશમાંથી શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે સારવારઅર્થે મોકલી આપશે તેમ જણાવ્યું હતું.
શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે નિયમિતપણે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઓમાન, ઈરાક, ફીઝી, કેન્યા, નાઈઝિરીયા વગેરે દેશોમાંથી દર્દીઓ સારવારઅર્થે આવે છે. એન.એ.બી.એચ. પ્રમાણિત શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં 12 સ્પેશ્યાલિટી અને 20 સુપર સ્પેશ્યાલિટી સર્વિસિસ અને આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલના પ્રિવિલેજ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય દર્દીઓને વ્યક્તિગત સંભાળ અને આધુનિક સુવિધાઓ તથા સપોર્ટ સર્વિસિસ પૂરી પાડવામાં આવે છે.