Advertisement

શોકજનક: 'તારક મહેતા...' ફેમ દયાબેન-સુંદરમાંમાના પિતાનું નિધન, બોલિવૂડ અને ગુજરાતી નાટ્યજગતે એક રત્ન ગુમાવ્યું

શોકજનક: 'તારક મહેતા...' ફેમ દયાબેન-સુંદરમાંમાના પિતાનું નિધન, બોલિવૂડ અને ગુજરાતી નાટ્યજગતે એક રત્ન ગુમાવ્યું

અમદાવાદ: ટેલિવિઝન જગતના અત્યંત લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો અને વાકાણી પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે. શોમાં 'દયાભાભી'નું પાત્ર ભજવી ઘર-ઘરમાં જાણીતા થયેલા દિશા વાકાણી અને 'સુંદર મામા' એટલે કે મયુર વાકાણીના પિતા અને દિગ્ગજ અભિનેતા ભીમ વાકાણીનું આજે (૭ એપ્રિલ) વહેલી સવારે ૮૪ વર્ષની વયે નિધન થયું છે. આ સમાચાર મળતા જ સમગ્ર ગુજરાતી કલા જગત અને બોલિવૂડમાં શોકની લહેર છવાઈ ગઈ છે.


 મયુર વાકાણીએ સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચાર શેર કરતા ભાવુક પોસ્ટ લખી છે. તેમણે જણાવ્યું કે, પ્રસિદ્ધ નાટ્યકાર અને અભિનેતા ભીમ વાકાણી આજે સવારે 'અરિહંત શરણ' પામ્યા છે. તેમના પાર્થિવ દેહની અંતિમયાત્રા આજે બપોરે ૨:૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે અને અમદાવાદના થલતેજ સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વાકાણી પરિવારના મોભીના જવાથી પરિવારમાં ઊંડો શોક વ્યાપી ગયો છે.


 ભીમ વાકાણી અભિનય જગતનું એક ખૂબ જ સન્માનિત નામ હતું. તેમણે માત્ર ગુજરાતી નાટકોમાં જ નહીં, પરંતુ બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મોમાં પણ પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો હતો. તેમણે આમિર ખાનની ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ 'લગાન' અને શાહરૂખ ખાનની 'સ્વદેશ'માં યાદગાર ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેઓ 'લજ્જા' અને 'વન્સ અપોન અ ટાઇમ ઇન ઇન્ડિયા' જેવી મોટી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. તેમના નિધન પર કલા જગતના અનેક દિગ્ગજો અને ચાહકો શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

Advertisement