મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂરના નિધનના ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, આ ભ્રામક અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા અભિનેતાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને સ્પષ્ટતા કરી છે કે તેઓ એકદમ સ્વસ્થ અને ખુશ છે. શક્તિ કપૂરે આ પ્રકારની ખોટી માહિતી ફેલાવનારાઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "હેલો એવરીવન, મારા નિધનના સમાચાર તદ્દન ખોટા છે. હું હેલ્ધી છું, મહેરબાની કરીને આવી વાતો પર ધ્યાન ન આપો." તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ આ મામલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવશે, કારણ કે આવી અફવાઓ કોઈ પણ વ્યક્તિ અને તેમના પરિવાર માટે માનસિક રીતે અત્યંત પરેશાન કરનારી હોય છે.
શક્તિ કપૂર માત્ર અફવાઓને કારણે જ નહીં, પરંતુ તાજેતરમાં પોતાની એક કરોડોની પ્રોપર્ટી ડીલને કારણે પણ ચર્ચામાં રહ્યા હતા. સત્તાવાર રેકોર્ડ મુજબ, તેમણે મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં આવેલો તેમનો ફ્લેટ આશરે 6.11 કરોડ રૂપિયામાં વેચ્યો છે. આ એપાર્ટમેન્ટ 'સિલ્વર બીચ હેવન કો-ઓપરેટિવ સોસાયટી'માં આવેલો છે, જે વિસ્તાર વરુણ ધવન અને સાજિદ ખાન જેવી હસ્તીઓનું પણ મનપસંદ રહેઠાણ છે. આ પ્રોપર્ટી ડીલ બાદ શક્તિ કપૂર ફરી એકવાર લાઈમલાઈટમાં આવ્યા છે.
ચાર દાયકા લાંબી શાનદાર ફિલ્મી સફરમાં અંદાજે 700 જેટલી ફિલ્મોમાં કામ કરનાર શક્તિ કપૂરે 'રાજા બાબુ', 'અંદાજ અપના અપના' અને 'ચાલબાઝ' જેવી ફિલ્મોમાં યાદગાર પાત્રો ભજવ્યા છે. તેઓ છેલ્લે વર્ષ 2025માં રિલીઝ થયેલી ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'માં જોવા મળ્યા હતા. અંગત જીવનની વાત કરીએ તો, તેમના પુત્રી શ્રદ્ધા કપૂર હાલ બોલિવૂડની ટોચની અભિનેત્રી છે, જે 'સ્ત્રી 2' ની સફળતા બાદ હવે તેની આગામી બાયોપિક ફિલ્મ 'ઈથા'માં જોવા મળશે. શક્તિ કપૂરે ચાહકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયા પર આવતા કોઈપણ સમાચારની ખરાઈ કર્યા વગર તેને સાચા ન માનવા.