સોમનાથ: 'સોમનાથ અમૃતપર્વ'ના ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શિવમય અવતારમાં જોવા મળ્યા હતા. શિખર પર કુંભાભિષેક કર્યા બાદ વડાપ્રધાને પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વિશેષ પૂજા-અર્ચના સંપન્ન કરી હતી.
સોમનાથ ટ્રસ્ટના વિદ્વાન પંડિતો દ્વારા કરવામાં આવેલા ગહન વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાને સોમનાથ દાદા પર જલાભિષેક કર્યો હતો. શુદ્ધ જળ, દૂધ અને પંચામૃતથી કરવામાં આવેલી આ પૂજા દરમિયાન સમગ્ર ગર્ભગૃહમાં દિવ્યતા પ્રસરી ગઈ હતી. પીએમ મોદીએ ભગવાન સમક્ષ શીશ નમાવી દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
પૂજા બાદ વડાપ્રધાને સોમનાથ મહાદેવની ભવ્ય આરતી ઉતારી હતી. ઝાલર અને ડમરુના ગુંજારવ વચ્ચે જ્યારે પીએમ મોદીએ આરતી કરી, ત્યારે સમગ્ર મંદિર પરિસર "હર હર મહાદેવ" અને "જય સોમનાથ"ના પ્રચંડ જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આ દ્રશ્ય નિહાળવા માટે મંદિર પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના માનમાં આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વડાપ્રધાન પોતે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ હોવાથી, તેઓ દર વર્ષે અહીં દર્શન માટે આવે છે, પરંતુ આ વર્ષનો 'અમૃત પર્વ' અને ગર્ભગૃહની આ વિશેષ પૂજા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે.
આ પાવન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના આગમનને પગલે સમગ્ર સોમનાથમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવે દર્શન બાદ વડાપ્રધાન વિશાળ જનમેદનીને સંબોધિત કરશે.