નડિયાદ: નડિયાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા કોલેજ રોડ પર આવેલા 'શીતવંદન કોમ્પ્લેક્સ'માં બિલ્ડર દ્વારા કરવામાં આવેલા બેફામ ગેરકાયદે બાંધકામ અને પાર્કિંગના વ્યવસાયિક ઉપયોગના મામલે નડિયાદ મહાનગરપાલિકાએ આખરી નોટિસ ફટકારી છે. જોકે, પાલિકાની આ કાર્યવાહી માત્ર લોકરોષ ઠારવા માટેનો એક દેખાડો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. શહેરના જાગૃત નાગરિકોમાં એવી ચર્ચા છે કે તંત્રની આ જૂની પદ્ધતિ મુજબ, પહેલા નોટિસ આપી સીલિંગનો ડોળ કરવામાં આવે છે અને બાદમાં બંધ બારણે સેટલમેન્ટ કરીને ગેરકાયદે બાંધકામને અભયદાન આપી દેવામાં આવે છે.
આ પ્રકરણની વિગતો મુજબ, શીતવંદન કોમ્પ્લેક્સના બિલ્ડર દ્વારા નડિયાદ મહાનગરપાલિકાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આક્ષેપો અનુસાર, કોમ્પ્લેક્સના ૫, ૬ અને ૭મા માળ પર પાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જ બાંધકામ ખડકી દેવાયું છે. આટલું ઓછું હોય તેમ, બેઝમેન્ટમાં જે જગ્યા પાર્કિંગ માટે અનામત રાખવાની હોય છે, ત્યાં પાર્ટીશન કરીને તેનો વ્યવસાયિક ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સાતમા માળે સ્ટીલ ફ્રેમનું ગેરકાયદે સ્ટ્રક્ચર પણ ઊભું કરી દેવાયું હોવાની રજૂઆતો ઉચ્ચ કક્ષાએ થઈ છે.
લાંબા સમયના મૌન બાદ હવે જ્યારે વિવાદ વકર્યો છે, ત્યારે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ડેપ્યુટી કમિશનરે નોટિસની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે, સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે મજબૂત સાંઠગાંઠ હોવાને કારણે અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. રહીશોએ આ મામલે રાજ્યપાલ અને કલેક્ટર સુધી લેખિત રજૂઆતો કરી છે. આજે આ કોમ્પ્લેક્સમાં સીલિંગની કામગીરી થવાની સંભાવના સેવાઈ રહી છે, પરંતુ લોકોનું માનવું છે કે આ કામગીરી માત્ર વિરોધને દબાવવા માટેનું એક હથિયાર છે, ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે નહીં. હવે જોવાનું એ રહેશે કે પાલિકા ખરેખર કાયદાનું પાલન કરાવશે કે પછી રાબેતા મુજબ 'સેટલમેન્ટ'નો ખેલ ખેલાશે.