ઋષિ પંચમી... જેને ગુજરાતમાં ‘સામા પાંચમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 🙏

ઋષિ પંચમી... જેને ગુજરાતમાં ‘સામા પાંચમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 🙏

ઋષિ પંચમી... જેને ગુજરાતમાં ‘સામા પાંચમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 🙏


હિંદુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે ઋષિ પંચમીના દિવસે સપ્તઋષિઓની પૂજા કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને જાણ્યે-અજાણ્યે થયેલા પાપ કર્મોના ફળમાંથી મુક્તિ મળે છે.


ભાદ્રપદ માસના શુક્લ પક્ષની પંચમીને ઋષિ પંચમી કહેવામાં આવે છે. આ દિવસે કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ—આ સાત ઋષિઓની પૂજા કરવાની પરંપરા છે.


પરંતુ શું તમે જાણો છો કે આ સાતેય ઋષિઓની પોતાની આગવી કથા અને મહત્વ છે?


કશ્યપ ઋષિની વિવિધ પત્નીઓથી દેવતાઓ, દૈત્યો, નાગ અને ગરુડ સહિત અનેક જીવોની ઉત્પત્તિ થઈ હોવાનું પૌરાણિક કથાઓમાં વર્ણન છે.


અત્રિ ઋષિના આશ્રમમાં વનવાસ દરમિયાન શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતા ગયા હતા. તેમના પત્ની સતી અનુસૂયા હતાં અને તેમના પુત્ર તરીકે ભગવાન દત્તાત્રેયનો ઉલ્લેખ થાય છે.


ભારદ્વાજ ઋષિનું નામ આયુર્વેદ સાથે જોડાયેલું છે. તેમના પુત્ર તરીકે મહાભારતના પ્રસિદ્ધ ગુરુ દ્રોણાચાર્યનો ઉલ્લેખ મળે છે.


વિશ્વામિત્ર ઋષિની કથા રાજા હરિશ્ચંદ્રથી લઈને શ્રીરામ-લક્ષ્મણ સુધીની અનેક પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે. ગાયત્રી મંત્ર સાથે પણ તેમનું નામ જોડાય છે.


ગૌતમ ઋષિ અને તેમની પત્ની અહલ્યાની કથા તો ખૂબ જાણીતી છે. પૌરાણિક માન્યતા પ્રમાણે શ્રીરામના સ્પર્શથી અહલ્યાનો ઉદ્ધાર થયો હતો.


જમદગ્નિ ઋષિ ભગવાન પરશુરામના પિતા હતા. પરશુરામનો ઉલ્લેખ રામાયણ અને મહાભારત બંનેમાં જોવા મળે છે.


અને વશિષ્ઠ ઋષિ—જેઓ રામાયણ અનુસાર શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના ગુરુ હતા અને તેમને પ્રારંભિક શિક્ષણ આપ્યું હતું.


ઋષિ પંચમી સાથે ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારની કથા પણ જોડાયેલી છે. પૌરાણિક માન્યતા પ્રમાણે જળપ્રલય સમયે મત્સ્ય અવતારે રાજા મનુ અને સપ્તઋષિઓ સહિત અનેક જીવોની રક્ષા કરી હતી.


આ દિવસે મોરૈયો અને દહીં ખાવાની પરંપરા છે, જ્યારે અનાજ અને મીઠાનું સેવન ન કરવાની માન્યતા છે.


તો આજે ઋષિ પંચમીના દિવસે સપ્તઋષિઓને નમન કરીને જાણીએ તેમની સાથે જોડાયેલી આ રસપ્રદ પૌરાણિક કથાઓને.