Advertisement

શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’: AIના ફફડાટે રોકાણકારોના લાખો કરોડ સ્વાહા, સેન્સેક્સ 850 પોઈન્ટ તૂટ્યો

શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’: AIના ફફડાટે રોકાણકારોના લાખો કરોડ સ્વાહા, સેન્સેક્સ 850 પોઈન્ટ તૂટ્યો

મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી છે. ગઈકાલે સોના-ચાંદીના ભાવમાં આવેલા કડાકા બાદ આજે શેરબજારમાં પણ મોટું ગાબડું પડ્યું છે. આજના કારોબારમાં સેન્સેક્સ લગભગ 850 પોઈન્ટ અને નિફ્ટી 274 પોઈન્ટ જેટલી ગગડી જતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે.


સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ: ક્યાં પહોંચ્યો આંક?


બજાર ખુલતાની સાથે જ નબળાઈના સંકેતો મળી રહ્યા હતા:

  • સેન્સેક્સ: આજે સવારે 82,902 પોઈન્ટ પર ખુલ્યા બાદ સેન્સેક્સે 83,079ની સપાટી સ્પર્શી હતી, પરંતુ ત્યારબાદ વેચવાલીનું ભારે દબાણ આવતા તે 82,791 સુધી ગગડી ગયો હતો. ગઈકાલના 83,674ના બંધની સરખામણીએ આજે તેમાં 883 પોઈન્ટ સુધીનો ઘટાડો નોંધાયો છે.


  • નિફ્ટી: નિફ્ટી પણ ગઈકાલના 25,807ના સ્તરથી સીધી 236 પોઈન્ટના ગેપ-ડાઉન સાથે 25,571 પર ખુલી હતી. ન્યૂઝ લખાયા ત્યાં સુધીમાં નિફ્ટી 25,525ના લોઅર લેવલ સુધી પહોંચી ગઈ હતી.


બજારમાં કડાકા પાછળના મુખ્ય કારણો


બજારના નિષ્ણાતો આ આકસ્મિક કડાકા પાછળ નીચે મુજબના કારણોને જવાબદાર માની રહ્યા છે:

  1. AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો ડર: વૈશ્વિક સ્તરે એવો ડર છે કે AI ના નવા ટુલ્સ પરંપરાગત બિઝનેસ મોડેલને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે આઈટી કંપનીઓના પ્રોફિટ માર્જિન ઘટવાની શક્યતા છે.

  2. IT સેક્ટરમાં લોહીની નદીઓ: ભારતીય આઈટી દિગ્ગજો જેવા કે TCS, Infosys, HCL Tech અને Tech Mahindra ના શેરોમાં 5% થી 6% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.

  3. અમેરિકન માર્કેટમાં વેચવાલી: અમેરિકામાં નાસ્ડેક (Nasdaq) માં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. અમેરિકન ટેક કંપનીઓની વેલ્યુએશનમાંથી લગભગ 1 ટ્રિલિયન ડૉલર (90 લાખ કરોડ રૂપિયા) સાફ થઈ ગયા છે.

  4. ગ્લોબલ સેન્ટિમેન્ટ: એશિયન બજારોમાં પણ મંદીનો માહોલ છે, જેના કારણે ભારતીય રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું છે.


કયા સેક્ટરને સૌથી વધુ અસર?


AI ના વધતા પ્રભાવને કારણે લોજિસ્ટિક્સ, રિયલ એસ્ટેટ અને સોફ્ટવેર સંબંધિત શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી છે. રોકાણકારોને ચિંતા છે કે નવી ટેક્નોલોજી આવવાથી આ કંપનીઓના ભવિષ્યના નફા પર અસર પડી શકે છે.


 શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

Advertisement