ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાના એક નિવેદનને લઈને રાજ્યના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. નર્મદાના સાગબારાના ખોપી વિસ્તારમાં 2 ઓક્ટોબરે યોજાયેલા વન અધિકાર સત્યાગ્રહ દરમિયાન વાઘેલાએ અનામત અને મેલું ઉપાડવાની પ્રથા અંગે કરેલી ટિપ્પણીનો ભાજપના નેતાઓ અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
વાઘેલાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, અનામત કોઈની મહેરબાનીથી આપવામાં આવી નથી, પરંતુ કેટલાક સમાજોએ પેઢીઓથી અન્યાય અને ભેદભાવ ભોગવ્યો છે. તેમણે મેલું ઉપાડવાની નોકરી અંગે ઉદાહરણ આપતાં પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજનો ઉલ્લેખ કર્યો હતો અને આવા કામ માટે ₹50 હજાર પગાર આપવાની વાત કરી હતી.
વાઘેલાના આ નિવેદન બાદ બ્રહ્મ સમાજના અગ્રણી અને ભાજપ નેતા યજ્ઞેશ દવે તેમજ પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ જાહેરમાં વિરોધ નોંધાવ્યો છે.
યજ્ઞેશ દવેનો વળતો પ્રહાર
યજ્ઞેશ દવેએ વાઘેલાના નિવેદનને લઈને સવાલ ઉઠાવ્યો કે ચોક્કસ ત્રણ સમાજ—પાટીદાર, બ્રાહ્મણ અને વાણિયા—નો જ ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો? તેમણે કહ્યું કે વાઘેલા પોતે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, ત્યારે પોતાના સમાજનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો નહીં?
દવેએ વધુમાં કહ્યું કે, માથે મેલું ઉપાડવાની પ્રથા દેશમાં વર્ષો પહેલાં જ નાબૂદ થઈ ચૂકી છે અને આ કામ સાથે જોડાયેલા લોકોને સન્માનપૂર્વક જીવન જીવવા માટે સરકારો દ્વારા વિવિધ યોજનાઓ અને પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમના મતે રાજકીય લાભ માટે સમાજો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવા નિવેદનો ટાળવા જોઈએ.
યજ્ઞેશ દવેએ વાઘેલાને પડકાર આપતા કહ્યું કે, જો તેઓ આવા કામને લઈને વાત કરી રહ્યા છે તો તેની શરૂઆત પોતાના સમાજથી કરે અને તેઓ તેમના ઘરનું મેલું ઉપાડે તો બદલામાં પોતે મોટી રકમ ચૂકવવા તૈયાર છે.
અલ્પેશ કથીરિયાએ પણ માફીની માંગ કરી
પાટીદાર આગેવાન અને ભાજપ નેતા અલ્પેશ કથીરિયાએ પણ વાઘેલાના નિવેદનની ટીકા કરી છે. કથીરિયાના જણાવ્યા અનુસાર, આવા શબ્દો જ્ઞાતિ અને સમાજ વચ્ચે વેરઝેર ઊભો કરી શકે છે.
તેમણે કહ્યું કે, વાઘેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને તેમની પાસેથી વધુ જવાબદારીભર્યા નિવેદનની અપેક્ષા રહે છે. કથીરિયાએ માંગ કરી કે વાઘેલાએ પોતાના નિવેદનથી કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો માફી માંગવી જોઈએ.
'સરકાર નકામી છે તો બદલી કાઢો'
આ જ કાર્યક્રમ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકારની કામગીરી અંગે પણ આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આદિવાસીઓના જંગલ અને જમીનના અધિકારોનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે જંગલની જમીનના સાચા માલિક આદિવાસીઓ છે.
વાઘેલાએ આદિવાસીઓને આંદોલનનો માર્ગ અપનાવવાની સાથે સરકાર બદલવા માટે રાજકીય રીતે આગળ આવવાની અપીલ કરી હતી. તેમણે ખેડૂતોના આગેવાનોને પણ બળદગાડા સાથે ગાંધીનગર પહોંચીને સરકાર સામે આંદોલન કરવાની વાત કરી હતી.
સાથે જ તેમણે અલગ ભીલિસ્તાન રાજ્યની માંગને સમર્થન આપ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
અન્ય સમાજના આગેવાનોમાં પણ નારાજગી
સુરતના જૈન સમાજના અગ્રણી નીરવ શાહે પણ વાઘેલાના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે આવા નિવેદનો સમાજમાં વર્ગીય વિભાજન ઊભું કરી શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે પટેલ, બ્રાહ્મણ, વાણિયા અને જૈન સમાજના લોકોમાં આ નિવેદનને લઈને નારાજગી છે.
હાલ શંકરસિંહ વાઘેલાના આ નિવેદન બાદ ભાજપના નેતાઓ અને વિવિધ સમાજના આગેવાનોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બીજી તરફ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે તેવી ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે તેમના આ નિવેદનને કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાએ વધુ જોર પકડ્યું છે.