સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આજે (4 એપ્રિલ) સવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. સેલવાસના દેમણી રોડ પર આવેલા એક ગોડાઉનમાં નાઈટ્રોજન ગેસ રિફિલિંગની પ્રક્રિયા દરમિયાન અચાનક સિલિન્ડરમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ ગંભીર ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં ગોડાઉનના સંચાલકનો પણ સમાવેશ થતો હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે.
શનિવારે સવારે જ્યારે કામદારો ગોડાઉનમાં નાઈટ્રોજન ગેસ રિફિલિંગની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક સિલિન્ડર ફાટ્યો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ગોડાઉનનો કાટમાળ હવામાં ફંગોળાઈને દૂર રોડ પર પડ્યો હતો. વિસ્ફોટના અવાજથી આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો અનુભવ થયો હતો, જેના કારણે 30 મીટર દૂર આવેલી શાળાના બાળકો અને સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ ગંભીર દુર્ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પ્રશાસનિક ટીમોએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. વિસ્ફોટ પાછળ સુરક્ષાના નિયમોની અનદેખી કરવામાં આવી હતી કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ગોડાઉનમાં રિફિલિંગ માટે જરૂરી મંજૂરીઓ અને સુરક્ષા ઉપકરણો હતા કે નહીં તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. હાલમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.