વડોદરા: જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા (શિહોરા) ગામે ગેસ સિલિન્ડર લીકેજ થવાના કારણે એક ભયાનક આગની દુર્ઘટના સામે આવી છે. ગામના વણકર વાસમાં આવેલા દિનેશભાઈ પૂંજાભાઈ પરમારના મકાનમાં અચાનક ગેસ સિલિન્ડરમાં લીકેજ થયા બાદ જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. આ પ્રચંડ ધડાકાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. આ દુર્ઘટનામાં પરિવારના બે સભ્યો સામાન્ય રીતે દાઝી ગયા છે, જ્યારે આગની જ્વાળાઓમાં આખું ઘર અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે.
મળતી વિગતો અનુસાર, સિલિન્ડરમાં લીકેજ થયા બાદ પરિવારના સભ્યો કંઈ સમજે કે સાવચેતીના પગલાં ભરે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી અને વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. આ આગમાં ઘરની અંદર રહેલું અનાજ, કપડાં, કિંમતી સામાન અને તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દાઝી ગયેલા લોકોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યા હતા.
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો પણ તાત્કાલિક પરથમપુરા ગામે દોડી આવ્યો હતો. સિલિન્ડર ફાટ્યા બાદ પણ આગની તીવ્રતા વધુ હોવાથી અન્ય કોઈ જાનહાનિ ન થાય તે માટે પોલીસે સુરક્ષાના ભાગરૂપે ઘટનાસ્થળની આસપાસ સ્થાનિકોની અવરજવર પર રોક લગાવી દીધી હતી. સ્થાનિકો અને તંત્રની લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. ગેસ લીકેજની એક નાનકડી ભૂલને કારણે એક ગરીબ પરિવારે પોતાની જીવનભરની કમાણી અને રહેઠાણ ગુમાવવાનો વારો આવ્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.