અમદાવાદ : સમગ્ર ભારત હાલમાં ભયાનક હીટવેવની ચપેટમાં છે. એપ્રિલ મહિનામાં જ સૂર્યદેવ આકરા પાણીએ હોય તેમ દેશના અનેક ભાગોમાં તાપમાન 43 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ચોંકાવનારી વિગત એ છે કે, વિશ્વના 100 સૌથી ગરમ શહેરોની યાદીમાં 95 શહેરો માત્ર ભારતના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના મેપમાં દેશનો મોટાભાગનો હિસ્સો 'રેડ ઝોન' માં દેખાઈ રહ્યો છે, જે ગંભીર પરિસ્થિતિનો સંકેત છે.
વૈજ્ઞાનિક મોડલ્સે વર્ષ 2026 માટે 'સુપર અલ-નીનો' (Godzilla El Niño) ની ચેતવણી આપી છે. વિશ્વ હવામાન સંસ્થા (WMO) ના જણાવ્યા અનુસાર, મે થી જુલાઈ 2026 દરમિયાન પ્રશાંત મહાસાગરમાં ગરમ લહેરો પેદા થવાની 60% થી વધુ શક્યતા છે. આ સદીમાં ક્યારેય ન વધી હોય એટલી ઝડપથી સમુદ્રની સપાટીનું તાપમાન વધી રહ્યું છે, જે વૈશ્વિક હવામાનચક્રને ખોરવી નાખશે.
ખેતી અને ચોમાસા પર સંકટના વાદળો
ભારત માટે 'સુપર અલ-નીનો' એ ચિંતાનો વિષય છે કારણ કે:
ચોમાસું નબળું પડશે: અલ-નીનોની અસરને કારણે ભારતમાં ચોમાસું અનિયમિત અને નબળું રહેવાની શક્યતા છે, જેનાથી દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
કૃષિ ઉત્પાદન પર અસર: વરસાદની ખેંચને કારણે ખરીફ પાક અને ગ્રામીણ અર્થતંત્ર પર માઠી અસર પડશે.
વધતી ગરમી: નિષ્ણાતો માને છે કે 2026 કે 2027 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે.
સરકાર અને ખેડૂતો માટે પરામર્શ
WMO અને કૃષિ નિષ્ણાતોએ સરકારોને અત્યારથી જ જળ સંચય અને હીટવેવ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા સૂચના આપી છે. ખેડૂતોને ઓછા પાણીમાં થતા અને ગરમી સહન કરી શકે તેવા 'દુષ્કાળ પ્રતિરોધક' પાકની પસંદગી કરવા સલાહ આપવામાં આવી છે.