Advertisement

સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન: PM મોદીએ કહ્યું – આવનારા સમયમાં ભારત બનશે ટેકનોલોજી લીડર

સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન: PM મોદીએ કહ્યું – આવનારા સમયમાં ભારત બનશે ટેકનોલોજી લીડર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ જિલ્લાના સાણંદ GIDC ખાતે ‘કેન્સ સેમિકોન’ (Kaynes Semicon) સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ (ISM) હેઠળ માઇક્રોન ટેક્નોલોજી બાદ આ બીજી મહત્વપૂર્ણ પરિયોજના છે, જ્યાં ટૂંક સમયમાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થવાનું છે.


ભારત બનશે ભરોસાપાત્ર સેમિકન્ડક્ટર સપ્લાયર


આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે Kaynes જેવી ભારતીય કંપની હવે વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ સ્થાન બનાવી રહી છે. તેમણે કહ્યું કે આ સુવિધામાં ઉત્પાદન શરૂ થતાં જ ભારત વિશ્વ માટે એક વિશ્વસનીય સેમિકન્ડક્ટર સપ્લાયર તરીકે ઉભરી રહ્યું છે.


વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા


પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વૈશ્વિક પડકારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાએ મહામારી અને વૈશ્વિક સંઘર્ષ જેવા પડકારોનો સામનો કર્યો છે, જેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પર ભારે અસર પડી છે. આવા સમયમાં ભારત જેવા લોકતાંત્રિક દેશની પ્રગતિ વિશ્વના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.


તેમણે વધુમાં જણાવ્યું કે ભારતનું સેમિકન્ડક્ટર મિશન માત્ર ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ દેશના આત્મવિશ્વાસની ઘોષણા છે. હાલમાં દેશના છ રાજ્યોમાં અંદાજે 1.60 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 10 સેમિકન્ડક્ટર સંબંધિત પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.


સેમિકન્ડક્ટર મિશન 2.0ની જાહેરાત


વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વર્ષની કેન્દ્રીય બજેટમાં ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ફોકસ સેમિકન્ડક્ટર ઉપકરણો અને તેની સાથે જોડાયેલી સામગ્રીના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.


તેમણે ઉમેર્યું કે ભારતનું લક્ષ્ય દેશમાં પૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવાનું છે. સાથે જ મહત્વપૂર્ણ ખનિજોના રાષ્ટ્રીય ભંડારને મજબૂત બનાવવાનો પણ સરકારનો પ્રયાસ છે.


પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીનું ભારત માત્ર વૈશ્વિક પરિવર્તનનો સાક્ષી બનીને જ નહીં, પરંતુ તેનું નેતૃત્વ કરવાની દિશામાં દૃઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે.

Advertisement