Advertisement

સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ડામ: 1 એપ્રિલથી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા સહિતની 1000થી વધુ દવાઓ મોંઘી થશે

સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ડામ: 1 એપ્રિલથી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા સહિતની 1000થી વધુ દવાઓ મોંઘી થશે

નવી દિલ્હી: હોળીના તહેવારની રજાઓ પૂર્ણ થતાની સાથે જ સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક આર્થિક બોજ પડવા જઈ રહ્યો છે. આગામી 1 એપ્રિલ, 2026થી દેશમાં તાવ, ઇન્ફેક્શન અને એનીમિયા જેવી ગંભીર બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓની કિંમતોમાં વધારો થશે. ભારત સરકાર દ્વારા 'નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ' (NLEM) માં સામેલ દવાઓના ભાવમાં અંદાજે 0.6% ના વધારાને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) ના જણાવ્યા અનુસાર, હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ (WPI) માં થયેલા ફેરફારને આધારે આ નિર્ણય લેવાયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના તાજેતરના ડેટા મુજબ, વર્ષ 2024ની સરખામણીએ 2025માં WPI માં (+) 0.64956% નો વાર્ષિક ફેરફાર જોવા મળ્યો છે, જેને પગલે આ ભાવ વધારો અમલી બનશે.


આ ભાવ વધારાની સીધી અસર 1,000 થી વધુ આવશ્યક દવાઓ પર પડશે. જેમાં તાવ અને દુખાવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પેરાસીટામોલ, બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટેની એઝિથ્રોમાસીન, લોહીની ઉણપ દૂર કરતી એનીમિયાની દવાઓ, વિવિધ વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શ્વસન સંબંધી સારવાર અને ગંભીર બીમારીઓમાં વપરાતા સ્ટીરોઈડ્સ પણ મોંઘા થશે. આમ, મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આરોગ્ય ખર્ચમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.


બીજી તરફ, ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોનું માનવું છે કે સરકાર દ્વારા કરવામાં આવેલો આ મામૂલી વધારો પૂરતો નથી. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઈરાન યુદ્ધને કારણે દવાઓ બનાવવામાં વપરાતા કાચા માલ (APIs) અને સોલ્વન્ટ્સના ભાવમાં જંગી ઉછાળો આવ્યો છે. આંકડાકીય માહિતી મુજબ, ગ્લિસરીનની કિંમતમાં 64% અને પેરાસીટામોલ APIની કિંમતમાં 25% સુધીનો વધારો નોંધાયો છે. પેકેજિંગ મટિરિયલ જેમ કે એલ્યુમિનિયમ ફોઈલ અને PVC ના ભાવમાં પણ 40% નો વધારો થયો હોવાથી ઉત્પાદન ખર્ચમાં કુલ 30-35% નો વધારો થયો છે. ઉદ્યોગ જગતનું કહેવું છે કે 0.6% નો વધારો આ નુકસાનની ભરપાઈ કરવા માટે સક્ષમ નથી, તેથી તેઓ આ મુદ્દે ટૂંક સમયમાં NPPA સમક્ષ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.

Advertisement