સાળંગપુરમાં અધવચ્ચે અટકેલું પુલનું કામ, ખાડાવાળા ડાયવર્ઝનથી વાહનચાલકો પરેશાન

સાળંગપુરમાં અધવચ્ચે અટકેલું પુલનું કામ, ખાડાવાળા ડાયવર્ઝનથી વાહનચાલકો પરેશાન

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુરમાં ઉતાવળી નદી પર ચાલી રહેલા પુલનું કામ છેલ્લા ત્રણ મહિનાથી બંધ રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પુલનું કામ અધવચ્ચે અટકી જતા વાહનચાલકોને હાલ બનાવવામાં આવેલા ડાયવર્ઝન માર્ગ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે.

સાળંગપુરથી ઝમરાળા, કારીયાણી, લાઠીદડ, ઢીકવાળી અને સમઢીયાળા સહિત દસેક ગામોને જોડતા માર્ગ પર અગાઉ કોઝવે હતો. ચોમાસા દરમિયાન ઉતાવળી નદીમાં પાણીનું સ્તર વધતા કોઝવે પર પાણી ફરી વળતું અને વાહનવ્યવહાર વારંવાર બંધ થઈ જતો હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગ્રામજનોની લાંબા સમયથી પુલ બનાવવાની માંગ હતી.

સ્થાનિકોની માંગ બાદ આશરે છ મહિના અગાઉ નદી પર નવા પુલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, કામ શરૂ થયાના થોડા સમય બાદ છેલ્લા ત્રણ મહિનાથી કામગીરી બંધ પડી છે. જેના કારણે પુલ ક્યારે પૂર્ણ થશે તેને લઈને પણ સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે.

હાલ વાહનવ્યવહાર માટે બનાવવામાં આવેલા વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગની સ્થિતિ પણ ખરાબ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. માર્ગ પર ઠેર-ઠેર ખાડા પડેલા હોવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ચોમાસામાં આ માર્ગ વધુ જોખમી બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ માર્ગ પરથી પસાર થતા વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. ગામના સરપંચ શરદ પરમાર સહિત સ્થાનિકોએ પુલનું કામ ઝડપથી ફરી શરૂ કરવાની તેમજ ડાયવર્ઝન માર્ગનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે.

સ્થાનિકોનું કહેવું છે કે પુલનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તો આસપાસના દસેક ગામોના લોકોને વર્ષોથી પડતી અવરજવરની સમસ્યામાંથી કાયમી રાહત મળી શકે છે.