Advertisement

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિનો મહોત્સવ, હજારો ભક્તોએ લીધા દર્શન

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિનો મહોત્સવ, હજારો ભક્તોએ લીધા દર્શન



સાળંગપુર: વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિના પવિત્ર અવસર પર ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર પરિસર “જય હનુમાન”ના જયઘોષ અને હનુમાન ચાલીસાના નાદથી ગુંજી ઉઠ્યું હતું.


હનુમાન જયંતિના પાવન દિવસે વહેલી સવારની મંગલા આરતી સાથે ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે કષ્ટભંજન દાદાને અત્યંત આકર્ષક સુવર્ણ વાઘા ધારણ કરાવી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. દાદાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સાળંગપુર ધામે પહોંચ્યા હતા.


હનુમાનજી મહારાજના જન્મોત્સવને વધાવવા માટે મંદિર પરિસરમાં ભવ્ય કેક કાપવાની વિધિ યોજાઈ હતી. સાથે જ પરંપરાગત રીતે મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો અને યજમાનો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો.


આ મંગલમય પ્રસંગે દાદાને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે દાદાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. હજારો ભક્તોએ શિસ્તબદ્ધ રીતે કતારમાં ઉભા રહી દાદાના ચરણોમાં શીશ નમાવી આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો.


હનુમાન જયંતિના આ ભવ્ય ઉત્સવે સાળંગપુર ધામમાં ભક્તિ, શક્તિ અને આસ્થાનો અદભૂત સંગમ સર્જાયો હતો અને સમગ્ર વાતાવરણ દિવ્યતા અને પવિત્રતાથી છલકાઈ ઉઠ્યું હતું.

Advertisement