Advertisement

સંસદમાં મહત્વના બિલની તૈયારી: ભાજપે સાંસદોની રજા રદ કરી

સંસદમાં મહત્વના બિલની તૈયારી: ભાજપે સાંસદોની રજા રદ કરી

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આગામી ખાસ સંસદ સત્રને ધ્યાનમાં રાખીને પોતાના તમામ સાંસદો માટે કડક સૂચનાઓ જાહેર કરી છે. પાર્ટીએ લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો માટે ‘થ્રી-લાઇન વ્હિપ’ જાહેર કરીને 16થી 18 એપ્રિલ સુધી ગૃહમાં ફરજિયાત હાજર રહેવા આદેશ આપ્યો છે.


ભાજપ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ સાંસદ કે કેન્દ્રીય મંત્રીને રજા આપવામાં આવશે નહીં અને દરેક સભ્યે સંસદની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવો પડશે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ખાસ સત્ર ઐતિહાસિક મહિલા અનામત સુધારા બિલ પર ચર્ચા માટે બોલાવવામાં આવ્યું છે, જેને સરકાર અત્યંત મહત્વનું માને છે. આ બિલ દેશના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.


રાજકીય ગરમાવો તેજ


ખાસ સત્રની જાહેરાત સાથે દેશમાં રાજકીય ગરમાવો પણ વધ્યો છે. વિરોધ પક્ષોએ સરકાર પાસે માંગ કરી છે કે આ મુદ્દે પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે અને સીમાંકન (Delimitation) સહિતના મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવામાં આવે.


ખડગેનો પીએમ મોદીને પત્ર


કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે મહિલા અનામત બિલ અને બંધારણીય સુધારા અંગે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાનો આગ્રહ કર્યો છે.


વિપક્ષનો આરોપ છે કે સરકાર દ્વારા ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે પરંતુ વિરોધ પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી અને ઘણા મહત્વના મુદ્દાઓ હજુ સ્પષ્ટ થયા નથી. બીજી તરફ સરકાર આ બિલને દેશના રાજકીય અને સામાજિક માળખામાં મોટો ફેરફાર લાવનાર મહત્વપૂર્ણ પગલું ગણાવી રહી છે.


હવે આવનારા ખાસ સંસદ સત્ર દરમિયાન આ મુદ્દે કેવી ચર્ચા અને રાજકીય ઘમાસાણ થાય છે તેના પર સમગ્ર દેશની નજર છે.

Advertisement