Advertisement

સંસદમાં ઐતિહાસિક ફેરફારની તૈયારી: મહિલા અનામત અને લોકસભાની બેઠકો 850 સુધી વધવાની શક્યતા

સંસદમાં ઐતિહાસિક ફેરફારની તૈયારી: મહિલા અનામત અને લોકસભાની બેઠકો 850 સુધી વધવાની શક્યતા

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર આજે સંસદમાં દેશના રાજકીય માળખાને બદલી નાખનારા ત્રણ અત્યંત મહત્વના વિધેયકો રજૂ કરવા જઈ રહી છે. આ પ્રસ્તાવિત બિલોમાં સૌથી મહત્વનું 'નારી શક્તિ વંદન અધિનિયમ' છે, જે અંતર્ગત 2029ની લોકસભા ચૂંટણી પહેલા મહિલાઓ માટે 33% અનામત અને સીમાંકન (Delimitation) ની પ્રક્રિયા પૂર્ણ કરવાનું સરકારનું લક્ષ્ય છે. જો આ બિલ પસાર થાય છે, તો ભારતીય લોકશાહીના ઇતિહાસમાં મહિલા પ્રતિનિધિત્વ મામલે આ એક મોટો વળાંક સાબિત થશે.


 આ નવા વિધેયકની સૌથી મોટી અસર સંસદના કદ પર પડશે. સીમાંકન બાદ લોકસભાની હાલની 543 બેઠકો વધીને 850 સુધી પહોંચી શકે છે. જેમાં રાજ્યોની બેઠકો 815 અને કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠકો 35 થવાની શક્યતા છે. સરકાર આ માટે સીમાંકન આયોગના ગઠન અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદામાં જરૂરી સુધારા કરવા માટે મક્કમ છે. આ ફેરફારોથી દેશના વસ્તીના આધારે પ્રતિનિધિત્વના નવા સમીકરણો રચાશે.


 બંધારણીય સુધારા હોવાને કારણે સરકાર માટે આ બિલો પસાર કરાવવા એ એક મોટો પડકાર છે, કારણ કે આ માટે બે-તૃતીયાંશ બહુમતી અનિવાર્ય છે. લોકસભામાં બહુમતી માટે 360 મતોની જરૂર છે, જેની સામે સત્તાધારી NDA પાસે અત્યારે 293 સભ્યો છે. તેવી જ રીતે, રાજ્યસભામાં 163 ના જાદુઈ આંકડા સામે NDA પાસે 142 સભ્યો છે. આમ, સરકારને અન્ય પ્રાદેશિક પક્ષોના સમર્થનની જરૂર પડશે.


 સરકાર દ્વારા 2011ની જનગણનાના આધારે સીમાંકન કરવાની યોજના સામે વિપક્ષોએ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓનો આરોપ છે કે સરકાર પોતાની રાજકીય સુવિધા મુજબ સીમાઓ નક્કી કરી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં એવો ભય પ્રવર્તી રહ્યો છે કે નવી પ્રક્રિયાથી તેમની સંસદીય શક્તિ ઘટી શકે છે. જોકે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આશા વ્યક્ત કરી છે કે મહિલા અનામત જેવા સંવેદનશીલ અને જરૂરી મુદ્દે તમામ પક્ષો સાથ આપશે અને બિલ સર્વસંમતિથી પસાર થશે.

Advertisement