બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મમેકર સંજય ગુપ્તાના અચાનક નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે. 59 વર્ષીય સંજય ગુપ્તાનું શુક્રવાર રાત્રે મુંબઈના વર્સોવા સ્થિત તેમના નિવાસસ્થાને અકસ્માતે પડી જવાથી મોત થયું હતું. તેમના નિધન સાથે એક મહત્વનો ફિલ્મ પ્રોજેક્ટ પણ અધૂરો રહી ગયો છે.
સંજય ગુપ્તા છેલ્લા કેટલાક સમયથી ‘કાબિલ 2’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતા. ખાસ વાત એ છે કે બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન અને ફિલ્મમેકર રાકેશ રોશનને આ સ્ક્રિપ્ટ પસંદ પણ આવી હતી. બંને આ ફિલ્મને આગળ વધારવાની તૈયારીમાં હતા, પરંતુ સંજય ગુપ્તાના અચાનક નિધનથી આ પ્રોજેક્ટને મોટો ઝટકો લાગ્યો છે.
‘કાબિલ 2’ની સ્ક્રિપ્ટ સાંભળીને રાકેશ અને હૃતિક થયા હતા ખુશ
રાકેશ રોશને મિડ-ડે સાથેની વાતચીતમાં સંજય ગુપ્તા સાથેની પોતાની મિત્રતા અને ફિલ્મી સફરને યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે સંજયે જ્યારે તેમને અને હૃતિક રોશનને ‘કાબિલ 2’ની સ્ક્રિપ્ટ સંભળાવી હતી, ત્યારે બંનેને વાર્તા ખૂબ પસંદ આવી હતી.
રાકેશ રોશનના જણાવ્યા અનુસાર, તેમણે સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ તરત જ સંજય સાથે ફિલ્મ આગળ વધારવા માટે સહમતિ દર્શાવી હતી. બંને આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા, પરંતુ અચાનક બનેલી આ ઘટનાએ બધું અધૂરું છોડી દીધું.
રાકેશે કહ્યું કે સંજય માત્ર સારા મિત્ર જ નહોતા, પરંતુ એક ઉત્તમ દિગ્દર્શક અને ટેક્નિશિયન પણ હતા. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે સંજય આટલી વહેલી વિદાય લેશે.
‘કાબિલ’ના શૂટિંગમાં સંજયે મને સેટ પર આવવાની જરૂર જ ન પડવા દીધી
રાકેશ રોશને ફિલ્મ ‘કાબિલ’ના નિર્માણ દરમિયાન સંજય ગુપ્તા સાથેના અનુભવ પણ શેર કર્યા હતા.
તેમણે જણાવ્યું કે સંજય દરેક સર્જનાત્મક અને ટેક્નિકલ બાબત અંગે તેમની સાથે અગાઉથી ચર્ચા કરતા હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ તેઓ દરેક મહત્વના નિર્ણય અંગે રાકેશને જાણ કરતા હતા.
રાકેશના જણાવ્યા અનુસાર, ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ તેમણે સંજયને કહ્યું હતું કે તેઓ આ ફિલ્મ એટલી સારી રીતે બનાવી શક્યા ન હોત જેટલી સંજયે બનાવી હતી. સંજયની કાર્યશૈલી અને દિગ્દર્શન પર તેમને એટલો વિશ્વાસ હતો કે ફિલ્મના સેટ પર જવાની પણ જરૂર પડી નહોતી.
રાકેશે એમ પણ જણાવ્યું કે ભવિષ્યમાં જ્યારે પણ તેઓ નવી ફિલ્મ બનાવવાનું વિચારતા ત્યારે તે પ્રોજેક્ટ સંજય ગુપ્તાને સોંપવાની તેમની ઇચ્છા રહેતી હતી.
છેલ્લા બે વર્ષથી અનેક ફિલ્મોની વાર્તા પર કામ કરતા હતા
રાકેશ રોશને વધુમાં જણાવ્યું કે સંજય ગુપ્તા છેલ્લા બે વર્ષથી બે-ત્રણ અલગ-અલગ ફિલ્મોના વિષયો પર કામ કરી રહ્યા હતા. જોકે, તેમાંથી કોઈ પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ આપી શકાયું નહોતું.
આ દરમિયાન તેમણે ‘કાબિલ 2’ની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. હૃતિક અને રાકેશ બંનેને આ વાર્તા પસંદ આવી હોવાથી તેના પર આગળ કામ કરવાની યોજના હતી.
પરંતુ સંજયના અચાનક નિધનથી હવે આ ફિલ્મનું ભવિષ્ય શું હશે તે અંગે સવાલો ઊભા થયા છે.
કેવી રીતે થયું સંજય ગુપ્તાનું નિધન?
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવાર રાત્રે વર્સોવા સ્થિત પોતાના ઘરમાં સંજય ગુપ્તા પડી ગયા હતા. આ દરમિયાન તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ઘણું લોહી વહી ગયું હતું.
ઘટનાની જાણ થતાં સંબંધિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
વર્સોવા સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર
સંજય ગુપ્તાના અંતિમ સંસ્કાર શનિવારે સાંજે મુંબઈના વર્સોવા સ્મશાન ઘાટમાં કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર શિવાંશ અને પુત્રી દલઈએ પિતાની ચિતાને મુખાગ્નિ આપી હતી. રાત્રે આશરે 8:30 વાગ્યે અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થઈ હતી.
આ પ્રસંગે બોલિવૂડની અનેક હસ્તીઓ તેમને અંતિમ વિદાય આપવા પહોંચી હતી. અભિનેતા અભિષેક બચ્ચન, રાજપાલ યાદવ, રજત બેદી અને ફિલ્મમેકર રાકેશ રોશન સહિતના કલાકારોએ હાજરી આપી હતી.
સંજય ગુપ્તાના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક પ્રતિભાશાળી ફિલ્મમેકર ગુમાવ્યો છે. બીજી તરફ, હૃતિક અને રાકેશ રોશન સાથેની તેમની આગામી ફિલ્મ ‘કાબિલ 2’ની યોજના પણ હવે અધૂરી રહી ગઈ છે.