આણંદઃ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે સંદેશર ગામમાં બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ બ્રાન્ડની બોટલો અને ક્વાર્ટરિયા મળી કુલ ₹31,800નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી મુજબ, એલસીબીની ટીમ સંદેશર ગામના ગેટ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, સંદેશરના મોટા તળપદાવાસમાં રહેતો કનુભાઈ ચતુરભાઈ કાસરા પોતાના ઘરની સામે આવેલા છાપરામાં દારૂનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને શનિવારે સાંજે રેઇડ કરી હતી.
પોલીસને જોઈ આરોપી ભાગવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ ટીમે કોર્ડન કરીને તેને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસે રહેલી થેલીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જે વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે એલસીબી દ્વારા વિદ્યાનગર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.