પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામ સ્થિત આંગણવાડી અને બાલમંદિરની પાછળ બ્લોક નાંખવાનું કામ ચાલી રહ્યું હોઈ આ બાબતને આગળ ધરીને ગામમાં રહેતા યુવકે ગામના સરપંચને આંગણવાડી પાછળ બ્લોક કેમ નાંખ્યા, તેઓ મારા વિરોધીઓ છે તેમ કહીને લાફો મારી દીધો હતો. આ મામલે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે રમેશભાઈ અંબાલાલ ઠાકોર રહે છે. તેઓ હાલમાં ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવે છે. ચાલુ વર્ષે રૂપિયાપુરા ગામમાં નાણાપંચની બચતમાંથી ગામના બાલમંદિર અને આંગણવાડીની પાછળ બ્લોક નાખવાનું કામ મંજૂર થયું હતું. જે અંતર્ગત ગત શનિવારે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું.
રવિવારે બપોરે દોઢેક વાગ્યાની આસપાસ તેઓ ચાલતા પોતાના ઘર તરફ જતા હતા ત્યારે રૂપિયાપુરા ગામે વચલા ફળીયામાં રહેતા ચિરાગ ઉર્ફે ભુરીયો મંગળ પટેલ પોતાનું બાઈક લઈને આવી પહોંચ્યો હતો. તેણે સરપંચને ઊભા રાખીને ગમે તેમ અપશબ્દ બોલી આંગણવાડીની પાછળ બ્લોક કેમ નાંખ્યા, તે મારા વિરોધીઓ છે. તે ગામનો ઈજારો લીધેલ છે તેમ કહી તમાચો ઝીંકી દઈ ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
આ બનાવને પગલે આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા અને તેમને બચાવ્યા હતા. બીજી તરફ તેઓ આ અંગે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં તેઓની મોડી રાત્રિએ પોલીસે ફરિયાદ લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે પેટલાદ ગ્રામ્ય પોલીસે યુવક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.