અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ફરી એકવાર બોમ્બ ધમકીનો સિલસિલો ચાલુ રહ્યો છે, જેને કારણે તંત્રમાં ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની RTO કચેરીઓને અજ્ઞાત ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક અસરથી તમામ કચેરીઓ ખાલી કરાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે અરજદારો અને કર્મચારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો, જ્યારે સુરક્ષા એજન્સીઓ તરત જ એક્શનમાં આવી ગઈ હતી.
અમદાવાદમાં RTO સત્તાધીશોએ તરત જ રાણીપ પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના પગલે મિનિટોમાં જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કચેરીમાં હાજર તમામ કર્મચારીઓ અને કામકાજ માટે આવેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઈવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા આવેલા ઉમેદવારોની પ્રક્રિયા પણ તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી હતી અને તેમને સુરક્ષાના ભાગરૂપે પરત મોકલવામાં આવ્યા હતા.
રાજકોટ અને સુરતની RTO કચેરીઓમાં પણ સમાન સ્થિતિ જોવા મળી હતી, જ્યાં બોમ્બ ધમકી મળતા ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી હતી. સ્થળ પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોને તૈનાત કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. તમામ પ્રવેશદ્વારોને સીલ કરી સુરક્ષા ચુસ્ત બનાવવામાં આવી હતી.
વડોદરાની દરજીપુરા સ્થિત RTO કચેરીને પણ ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળતા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે કચેરીનું કામકાજ બંધ કરાવી તમામ સ્ટાફ અને અરજદારોને બહાર મોકલી આપ્યા હતા. ત્યારબાદ BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર કચેરીની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. લગભગ દોઢ કલાકની તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, છતાં વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.
આ તમામ ઘટનાઓ વચ્ચે પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે ધમકી આપનાર વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યની શાળાઓ, કોલેજો, કોર્ટ, પાસપોર્ટ ઓફિસ અને હાઈકોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાઓને પણ આવી જ ધમકીઓ મળી રહી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. સતત મળી રહેલી આવી ધમકીઓ પાછળ કોઈ મોટું કાવતરું છે કે માત્ર શરારત, તે હવે તપાસનો મુખ્ય મુદ્દો બન્યો છે.