રોકનો આદેશ છતાં હોસ્પિટલનું બાંધકામ ચાલુ! બોરીયામાં ઉઠ્યા ગંભીર સવાલો
પેટલાદ તાલુકાના બોરીયા ગામમાં હોસ્પિટલના બાંધકામને રોકવાનો આદેશ હોવા છતાં કામ ચાલુ રહેતાં સ્થાનિકોમાં ચર્ચા અને અચરજ ફેલાયું છે.
મળતી માહિતી મુજબ, બોરીયા આરોગ્ય મંડળ દ્વારા ગામમાં નવી હોસ્પિટલ બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી. વર્ષ 2024માં ઇન્ચાર્જ ગ્રામ સરપંચની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં કામ નં. 4 અને ઠરાવ નં. 139/1 હેઠળ હોસ્પિટલના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી.
જોકે, ગામના તલાટી કમ મંત્રીએ આ ઠરાવ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં હોસ્પિટલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.
આ મામલે સ્થાનિક નાગરિક ભાવિન પ્રજાપતિએ લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ મામલો પેટલાદ તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO સમક્ષ પહોંચ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, TDO દ્વારા તપાસ હાથ ધરી બાંધકામ પર રોક લગાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સરપંચ દ્વારા પણ મંડળના ટ્રસ્ટીઓને નોટિસ પાઠવી કામ બંધ રાખવા જણાવાયું હતું.
પરંતુ અહીંથી જ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
રોકના આદેશ અને નોટિસ છતાં બોરીયા આરોગ્ય મંડળના નામે આવેલી બ્લોક નં. 218-Bની 0-24-28 હેક્ટર જમીન પર બાંધકામ ચાલુ રહ્યું અને હવે હોસ્પિટલનું કામ લગભગ પૂર્ણતાના આરે પહોંચી ગયું છે.
સવાલ એ છે કે વહીવટી તંત્રના રોકના આદેશ બાદ પણ બાંધકામ કેવી રીતે ચાલુ રહ્યું? રોકનો આદેશ હોવા છતાં કામગીરી કોણે ચાલુ રાખી અને તંત્ર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવી?
હાલ બોરીયા ગામમાં આ સમગ્ર મામલાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે, કોઈ રાજકીય નેતાનો હાથ હોવા કે વહીવટી ગેરરીતિ થઈ હોવાના દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.