Iran પર United States અને Israelના સંયુક્ત સૈન્ય ઓપરેશન બાદ વૈશ્વિક આર્થિક બજારોમાં ભારે અનિશ્ચિતતા છવાઈ ગઈ છે. નિષ્ણાતોના મતે આ ઘટનાનો પ્રભાવ માત્ર મધ્ય પૂર્વ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઈન અને એનર્જી સેક્ટર પર પણ ઊંડો પડશે. સોમવાર (2 માર્ચ)ના બજાર ખુલતા જ ભારતીય સહિત વિશ્વભરના શેરબજારોમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
ઈરાન દૈનિક આશરે 3.3 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે અને હોર્મુઝ જળમાર્ગમાંથી વિશ્વનું લગભગ 20 ટકા તેલ પસાર થાય છે. જો તણાવ વધીને આ માર્ગ પ્રભાવિત થાય તો ક્રૂડ ઓઈલના ભાવ 72 ડોલરથી વધીને 80 ડોલર પ્રતિ બેરલ પાર જઈ શકે છે. આ સ્થિતિનો સીધો અસર ભારત જેવા આયાત આધારિત દેશો પર પડશે.
યુદ્ધ જેવી પરિસ્થિતિમાં રોકાણકારો સેફ હેવન તરફ વળે છે, જેના કારણે સોનું અને ચાંદીના ભાવમાં તેજી આવી શકે છે. ભારતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.85 લાખ રૂપિયા સુધી અને ચાંદી પ્રતિ કિલો 3.20 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. બીજી તરફ, શેરબજારમાં ગભરાટના માહોલ વચ્ચે સેન્સેક્સમાં 1થી 2 ટકાનો ઘટાડો થઈ 80,000ની નીચે જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકી બજારોમાં પહેલેથી જ નબળાઈ જોવા મળી છે અને ક્રિપ્ટો માર્કેટમાં પણ વેચવાલીનો દબાણ વધ્યો છે.