રેલવે મુસાફરોની હાલાકીમાં વધારો: વટવા-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન એક મહિનો બંધ રહેશે, હજારો અપડાઉન કરતા લોકો અટવાયા

રેલવે મુસાફરોની હાલાકીમાં વધારો: વટવા-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન એક મહિનો બંધ રહેશે, હજારો અપડાઉન કરતા લોકો અટવાયા

નડિયાદ: કોરોના મહામારી બાદ રેલવે વ્યવહાર ધીમે ધીમે પાટા પર આવી રહ્યો છે, પરંતુ હજુ પણ અનેક લોકલ ટ્રેનો બંધ હોવાને કારણે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં પશ્ચિમ રેલવે દ્વારા કાંકરિયા-વટવા રેલખંડ પર ચાલી રહેલી કામગીરીને પગલે બ્લોક લેવામાં આવતા, 4થી એપ્રિલથી 8 મે સુધી વટવા-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રેલવે તંત્રના આ નિર્ણયને કારણે નડિયાદ, આણંદ અને મહેમદાવાદથી દરરોજ અપડાઉન કરતા હજારો નોકરીયાત અને વિદ્યાર્થી મુસાફરો કફોડી હાલતમાં મુકાયા છે.


ચરોતર પંથકમાં નડિયાદ અને આણંદ રેલવે સ્ટેશનો તંત્રને લાખો રૂપિયાની આવક અપાવતા મહત્વના સ્ટેશનો છે. લોકડાઉન પૂર્વે અહીંથી પસાર થતી તમામ લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો મુસાફરોથી ખીચોખીચ જોવા મળતી હતી. જોકે, કોરોના બાદ વલસાડ-વિરમગામ, અમદાવાદ-મુંબઈ પેસેન્જર અને દાહોદ-ગાંધીનગર જેવી મહત્વની મેમુ ટ્રેનો હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. જોકે બીજી તરફ, આણંદ-ખંભાત ડેમુ અને આણંદ-ગોધરા મેમુ જેવી ટ્રેનો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ અમદાવાદ-વડોદરા વચ્ચેની મુખ્ય મેમુ ટ્રેનો હજુ પણ પાટા પર ન આવતા મુસાફરોને મોંઘા ભાડા ખર્ચીને એક્સપ્રેસ ટ્રેનો કે અન્ય વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે.


મુસાફરો માટે આશીર્વાદ સમાન ગણાતી મણીનગર-વડોદરા-વટવા ઇન્ટરસિટી ટ્રેન પણ હવે એક મહિના સુધી બંધ રહેવાની હોવાથી મુસાફરોની મુશ્કેલીમાં બેવડો વધારો થયો છે. એક તરફ જૂની ટ્રેનો શરૂ થતી નથી અને બીજી તરફ ચાલુ ટ્રેનોમાં બ્લોકના નામે કાપ મૂકવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં રેલવે તંત્ર જલ્દીથી કામગીરી પૂર્ણ કરે અને કોરોના કાળમાં બંધ કરાયેલી તમામ મેમુ તેમજ લોકલ ટ્રેનો ફરી શરૂ કરે તેવી માંગ ચરોતરના મુસાફરોમાં પ્રબળ બની છે.