રાત્રે બારી ખખડાવી દીકરીઓને ડરાવ્યા, નડિયાદ છાત્રાલયમાં હોબાળો
નડિયાદમાં કન્યા છાત્રાલયમાં છેલ્લા કેટલાક દિવસથી અજાણ્યા ઇસમો બારી ખખડાવીને તેમજ લાઈટની મેઈન સ્વીચ બંધ કરીને, બેટરીના ફ્લેશ મારી દીકરીઓને હેરાન કરતાં હોવાની ઘટના બાદ છાત્રાઓએ હોબાળો કરતા પોલીસ અને અધિકારીઓ દોડી ગયા હતા.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ ઉપર સરકારી કન્યા છાત્રાલય આવેલું છે. જે છાત્રાલયમાં 47 દીકરીઓ રહે છે. છેલ્લા કેટલાક દિવસથી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા રાત્રિના સમયે હોસ્ટેલની બારી ખખડાવી, મેઈન સ્વીચ બંધ કરી અને અંધારું થતાં જ બેટરીની ફ્લેશ મારી છાત્રાઓને ડરાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. જે બાબતે છાત્રાઓ દ્વારા વોર્ડનને જાણ કરાતાં આ બાબતને ગંભીરતાથી લેવાની જગ્યાએ દીકરીઓને જ ખોટી રીતે ધમકાવી હતી. જેને લઈને શુક્રવારે હોબાળો થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. છાત્રાઓ દ્વારા વોર્ડન રાત્રિના સમયે હોસ્ટેલમાં હાજર રહેતા ન હોવાનો આક્ષેપ કરાયો હતો.
તા. 25 થી કનડગત ચાલુ છે છેલ્લા છ દિવસથી રાત્રે 11 વાગ્યા પછી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. હું છોટાઉદેપુરથી નર્સિંગનો અભ્યાસ કરવા માટે આવી છું. રાત્રે અજાણ્યા શખ્સો બારી ખખડાવે છે અને ડરાવે છે. વોર્ડન રાત્રે હોસ્ટેલમાં રોકાતા ન હોવાથી અમે અસુરક્ષીતતા અનુભવીએ છીએ. > વિદ્યાર્થીની
છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરું છું કોઈ ફરિયાદ આવી નથી હું સરકારી કન્યા છાત્રાલયમાં ત્રણ વર્ષથી નોકરી કરું છું. છેલ્લા બે ત્રણ દિવસથી આ ઘટના સામે આવ્યા બાદ અધિકારીને જાણ કરી હતી. મારા ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે. હાલમાં પોલીસ પણ તપાસ કરી રહી છે. > દીપ્તિ મોગરીયા, વોર્ડન
મામલાને ગંભીરતાથી લઇ હોમગાર્ડનો પોઇન્ટ મૂક્યો છે
પોલીસ દ્વારા મામલાને ગંભીરતાથી લઇ દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં આ જગ્યાએ એક હોમગાર્ડનો પોઇન્ટ મૂકવામાં આવ્યો છે, જેથી કરીને દીકરીઓની કોઇ કનડગતનો પ્રયાસ કરી રહ્યું હોય તો તે બંધ થાય. દીકરીઓની સુરક્ષા માટે પશ્ચિમ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી છે. શી ટીમ દ્વારા પણ આ દીકરીઓ સાથે વાતચીત કરવામાં આવી છે. આ ઉપરાંત પેટ્રોલીંગ પણ વધારવામાં આવશે.