Advertisement

રાષ્ટ્રીય વસ્તી ગણતરી-૨૦૨૭: CM ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો 'સ્વ-ગણતરી'નો રાજ્યવ્યાપી પ્રારંભ; આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે ઓનલાઈન ગણતરી પૂર્ણ કરી નાગરિકોને અપીલ કરી

રાષ્ટ્રીય વસ્તી ગણતરી-૨૦૨૭: CM ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો 'સ્વ-ગણતરી'નો રાજ્યવ્યાપી પ્રારંભ; આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે ઓનલાઈન ગણતરી પૂર્ણ કરી નાગરિકોને અપીલ કરી

આણંદ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે  જનગણના 2027 અન્વયે આજથી  શરૂ  થયેલી સ્વ ગણતરીનો  રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની ઔપચારિક શરૂઆત કરાવી હતી. 


 તેમણે રાજ્યના નાગરિકોને પણ આ રાષ્ટ્રીય સ્તરે મહત્વની કવાયતમાં સક્રિયપણે ભાગ લઈને સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પણ અનુરોધ કર્યો હતો. 


ઉલ્લેખનીય છે કે, આ વખતે વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. તા.31-05-2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં  લોકો પોતાની  જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં  સહભાગી થઈ શકશે.


સ્વ-ગણતરીની  આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે. 


નાગરિકો https://se.census.gov.in/ પરથી  જરૂરી  માર્ગ દર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે તેમજ સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર અને સચોટ માહિતી પણ આપી શકે છે.


સમગ્ર રાજ્યની સાથો સાથ આણંદ જિલ્લામાં પણ ભારતની પ્રથમ ડિજિટલ જનગણના 2027 અંતર્ગત ‘સ્વ-ગણતરી’ પોર્ટલનો આજરોજ પ્રારંભ થતા જ આણંદ જિલ્લાના સાંસદશ્રી મિતેષભાઈ પટેલે પોતાના નામ સાથે કુટુંબના સભ્યોના નામની નોંધણી કરાવી હતી.


સાંસદશ્રીએ જણાવ્યું કે ડિજિટલ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવતી આ પહેલ દ્વારા નાગરિકો હવે સરળતાથી સ્વ-ગણતરી કરી શકશે.


આ અવસરે સાંસદશ્રીએ કહ્યું કે આણંદ જિલ્લાના નાગરિકોને જિલ્લામાં વસ્તી ગણતરી માટેની સ્વ-ગણતરી પ્રક્રિયા તા.૧૭ થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન હાથ ધરાશે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના તમામ નાગરિકો ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની સાચી અને સંપૂર્ણ માહિતી આપી આ જનગણનામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે  તે માટે તેમણે અનુરોધ કર્યો હતો.


આ તકે સ્વ-વસ્તી ગણતરીનો પ્રારંભ થતાં જ આણંદ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ પોતાના નામની નોંધણી કરાવી હતી.


નોંધનીય છે કે, તા.૧ જૂન થી તા.૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન વસ્તી ગણતરી કર્મચારીઓ દ્વારા ઘરે-ઘર જઈ માહિતી એકત્રિત કરવામાં આવશે.

Advertisement