સ્વતંત્ર સેનાની સરોજીની નાયડુની જન્મજયંતિ નિમિત્તે દેશની મહિલાઓને સમર્પિત દિવસ
ભારત દેશના વિકાસમાં પ્રાચીન કાળથી લઈ આજ સુધી અનેક મહિલાઓ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું છે અને એટલે જ પ્રાચીન અને વૈદિક કાળથી જ મહિલાઓને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. રાજકારણ, અર્થવ્યવસ્થા, સંરક્ષણ, અવકાશ સંશોધન, ટેક્નોલૉજી અને રમત-ગમત સહિતના અનેક મહત્વનાં ક્ષેત્રે પુરૂષ સમોવડી બનીને આજે પણ દેશના વિકાસમાં મહિલાઓ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે.
ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને મહિલા અધિકારો માટે સક્રિય ભૂમિકા ભજવનાર સ્વતંત્રતા સેનાની સરોજીની નાયડુની જન્મજયંતિ નિમિત્તે ૧૩ ફેબ્રુઆરીને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૪૭માં સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન ઉત્તર પ્રદેશના રાજ્યપાલના રૂપમાં દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ બનનાર સરોજીની નાયડુના સન્માનમાં ૧૩ ફેબ્રુઆરીના દિવસને વર્ષ ૨૦૧૪થી રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.
સરોજીની નાયડુનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૯ ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમના મીઠાશભર્યા અવાજને કારણે તેઓ “ભારતની બુલબુલ” તરીકે પણ ઓળખાતા હતાં. તેમણે લગભગ ૧૨ વર્ષની ઉંમરે કવિતાઓ લખવાની શરુઆત કરી હતી અને તેઓ એક પ્રસિદ્ધ કવયિત્રી તરીકે પણ પ્રસિદ્ધ થયા હતા. ધ ગોલ્ડન થ્રેશોલ્ડ, ધ બર્ડ ઓફ ટાઈમ : સોંગ્સ ઓફ લાઈફ, ડેથ એન્ડ ધ સ્પ્રિંગ, ધ બ્રોકન વિંગ, ધ સેપ્ટર્ડ ફ્લુટ : સોંગ્સ ઓફ ઈન્ડિયા, અલ્હાબાદ: કિતાબિસ્તાન ધ ઈન્ડિયન વીવર્સ વગેરે તેમની મુખ્ય કૃતિઓમાં સમાવિષ્ટ છે.
વર્ષ ૧૯૧૭થી રાજકારણમાં સક્રિય બન્યાં બાદ તેઓએ આઝાદી માટેની રાષ્ટ્રીય ચળવળમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. વર્ષ ૧૯૨૫ માં તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમણે ધરાસણા સત્યાગ્રહ વખતે એક સમયગાળા માટે સત્યાગ્રહીઓના નેતૃત્વની કમાન સંભાળી હતી. આઝાદીની ચળવળ દરમિયાન તેમને ઘણી વખત જેલની સજા પણ કરવામાં આવી હતી. તેમણે ભારતની આઝાદી માટે થયેલી ૧૯૪૨ ની હિન્દ છોડો ચળવળ અને બંધારણ સમિતિમાં ખૂબજ મહત્વનું યોગદાન આપ્યું હતું. વર્ષ ૧૯૪૭માં સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન ઉત્તર પ્રદેશના રાજ્યપાલના રૂપમાં સમગ્ર દેશમાં પ્રથમ મહિલા રાજ્યપાલ બનનાર સરોજીની નાયડુએ દેશની આઝાદીની ચળવળ દરમિયાન પણ અમૂલ્ય યોગદાન આપ્યુ છે.