Advertisement

'રામાયણ'નું ધમાકેદાર ટીઝર રિલીઝ: રણબીર કપૂરનો રામ અવતાર અને રાવણ બનેલા યશની પહેલી ઝલક, જાણો શું છે ખાસ

'રામાયણ'નું ધમાકેદાર ટીઝર રિલીઝ: રણબીર કપૂરનો રામ અવતાર અને રાવણ બનેલા યશની પહેલી ઝલક, જાણો શું છે ખાસ

મુંબઈ: ડાયરેક્ટર નિતેશ તિવારીની વર્ષોથી જેની રાહ જોવાતી હતી તેવી મેગા બજેટ ફિલ્મ 'રામાયણ'નું ટીઝર આખરે હનુમાન જયંતિના પાવન પર્વ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 2 મિનિટ અને 38 સેકન્ડનું આ ટીઝર કોઈપણ ડાયલોગ વિના માત્ર 'રામ'ના મંત્રમુગ્ધ કરી દેતા અવાજ સાથે રજૂ કરવામાં આવ્યું છે. ટીઝરમાં ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂરની પ્રથમ ઝલક જોવા મળી રહી છે, જેમાં તે અત્યંત સોમ્ય, શાંત છતાં તેજસ્વી નજર આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર રણબીરના આ લુકના અત્યારથી જ વખાણ શરૂ થઈ ગયા છે.


 ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે. અહેવાલો મુજબ, આ મેગા પ્રોજેક્ટ પાછળ લગભગ 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે, જેમાં પ્રથમ ભાગ વર્ષ 2026ની દિવાળી પર અને બીજો ભાગ 2027ની દિવાળી પર સિનેમાઘરોમાં આવશે. ટીઝરમાં રણબીર કપૂર સિવાય અન્ય પાત્રો જેવા કે સીતા, લક્ષ્મણ અને દશરથના માત્ર શેડો (પરછાયા) બતાવવામાં આવ્યા છે, જેનાથી મેકર્સે દર્શકોમાં સસ્પેન્સ જાળવી રાખ્યું છે.


 ટીઝરની સૌથી મોટી હાઈલાઈટ રાવણની ભૂમિકા ભજવી રહેલા સુપરસ્ટાર યશની એન્ટ્રી છે. ટીઝરમાં 2 મિનિટ અને 12 સેકન્ડ પર રાવણની પાછળથી એક ઝલક બતાવવામાં આવી છે, જ્યારે 2 મિનિટ 17 સેકન્ડ પર ભવ્ય 'પુષ્પક વિમાન' પણ જોવા મળે છે. આ ઉપરાંત, સની દેઓલ હનુમાનની ભૂમિકામાં હોવાથી ફેન્સમાં ભારે ઉત્તેજના છે. ટીઝરમાં 1 મિનિટ 50 સેકન્ડ પર સંભળાતો 'રામ'નો ઘેરો અવાજ હનુમાનનો હોવાનું લોકો માની રહ્યા છે, જ્યારે કેટલાક તેને રાજા દશરથના અંતિમ શબ્દો ગણાવી રહ્યા છે.


 ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો, રણબીર અને યશ ઉપરાંત સાઈ પલ્લવી (સીતા), રવિ દુબે (લક્ષ્મણ), અરુણ ગોવિલ (દશરથ), લારા દત્તા (કૈકેયી) અને મોહિત રેના (ભગવાન શિવ) જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે. ટીઝર રિલીઝ થતાની સાથે જ લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. મોટાભાગના લોકો રણબીરના લુક અને ગ્રાફિક્સથી પ્રભાવિત છે, તો વળી કેટલાક યશ અને સની દેઓલના પાત્રને સ્ક્રીન પર જોવા માટે આતુર છે. આ ફિલ્મ હિન્દી સહિત તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થવાની છે.

Advertisement