પંચમહાલ જિલ્લાના બે દિવસીય પ્રવાસ દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાદગી અને ઇંધણ બચતનો અનોખો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ અમદાવાદથી વડોદરા સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી અને ત્યારબાદ વડોદરાથી હાલોલ સુધી ગુજરાત એસ.ટી. બસમાં પ્રવાસ કરીને સામાન્ય નાગરિક જેવી સફર કરી હતી. હાલોલ પહોંચ્યા બાદ તેઓ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં સાઇકલ ચલાવીને ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે તેમની સાથે ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર, યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડિયા તેમજ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, દેશમાં પેટ્રોલિયમની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ રાજ્યના પ્રવાસો માટે હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીનો ઉપયોગ નહીં કરે અને ટ્રેન, એસ.ટી. બસ તથા જાહેર પરિવહનને પ્રાથમિકતા આપશે.
રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિવસ “કમ્બશન એન્જિન મુક્ત દિવસ” તરીકે ઉજવવા સૂચના આપવામાં આવી છે. આ દિવસે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પેટ્રોલ-ડીઝલ વાહનોને બદલે સાઇકલ, ઇલેક્ટ્રિક વાહન અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
તેમણે નાગરિકોને પણ જાહેર પરિવહન સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને ઇંધણ બચતના અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી.