રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ગ્રામ કલ્યાણ કાર્યક્રમને મળ્યો અભૂતપૂર્વ જનપ્રતિસાદ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ગ્રામ કલ્યાણ કાર્યક્રમને મળ્યો અભૂતપૂર્વ જનપ્રતિસાદ


કેશરગંજમાં બે દિવસીય કાર્યક્રમ દરમિયાન ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સાથે કર્યો સીધો સંવાદ


સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામે યોજાયેલા બે દિવસીય ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ને ગ્રામજનો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની હાજરીને કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યપાલશ્રીએ ગામમાં રહીને લોકો સાથે સીધો સંપર્ક સાધ્યો અને વિવિધ વર્ગોના લોકોની સમસ્યાઓ તેમજ સૂચનો સાંભળ્યા હતા.


એસ.ટી. બસમાં મુસાફરી કરી પહોંચ્યા કેશરગંજ


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાની સાદગી અને લોકસંપર્કનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં ગાંધીનગરથી કેશરગંજ સુધીની અંદાજે ત્રણ કલાકની મુસાફરી એસ.ટી. બસમાં સામાન્ય મુસાફરની જેમ કરી હતી. ભીષણ ગરમી વચ્ચે જાહેર પરિવહનનો ઉપયોગ કરીને ગામે પહોંચેલા રાજ્યપાલશ્રીને જોઈ ગ્રામજનો આશ્ચર્યચકિત બની ગયા હતા. તેમની આ સરળતા અને સામાન્ય લોકો સાથે જોડાવાની ભાવનાએ સૌના દિલ જીતી લીધા હતા.


ખેડૂતો, મહિલાઓ અને બાળકો સાથે આત્મીય સંવાદ


કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો વિશે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મહિલાઓના આરોગ્ય, સશક્તિકરણ અને આત્મનિર્ભરતા અંગે ચર્ચા કરી હતી. બાળકો સાથે સંવાદ કરીને તેમને શિક્ષણ અને સંસ્કારના મહત્વ અંગે પ્રેરણા આપી હતી, જ્યારે વડીલો સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.


‘ભારતની આત્મા ગામડાંમાં વસે છે’ : રાજ્યપાલ


સંવાદ દરમિયાન રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ભારતની સાચી શક્તિ અને આત્મા ગામડાંમાં વસે છે. ગામડાં સમૃદ્ધ અને સ્વસ્થ બનશે ત્યારે જ દેશના સર્વાંગી વિકાસનું સ્વપ્ન સાકાર થઈ શકશે. તેમણે જણાવ્યું કે તેમની આ મુલાકાતનો ઉદ્દેશ્ય માત્ર સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવાનો નથી, પરંતુ ગામડાંની આંતરિક શક્તિ અને સંભાવનાઓને ઓળખીને તેને વધુ મજબૂત બનાવવાનો છે.


ગ્રામજનોમાં ખુશીનો માહોલ


કેશરગંજના ગ્રામજનોએ જણાવ્યું હતું કે રાજ્યના સર્વોચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ આટલી સરળતાથી ગામમાં આવીને લોકો વચ્ચે બેસે, તેમની સાથે જમે અને પરિવારના સભ્યની જેમ સંવાદ કરે તે એક અનોખો અનુભવ રહ્યો છે. રાજ્યપાલશ્રીની મુલાકાત ગામ માટે યાદગાર બની રહી છે.


જાહેર પરિવહનને પ્રાધાન્ય આપવાનો નિર્ણય


ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ વધારતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના પ્રવાસો માટે હેલિકોપ્ટર અને હવાઈ મુસાફરીને બદલે ટ્રેન, એસ.ટી. બસ અને અન્ય જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યપાલશ્રીની આ પહેલને લોકો દ્વારા વ્યાપક પ્રશંસા મળી રહી છે.