રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે સ્થાનિક કક્ષાએ જ સાંભળાશે નાગરિકોની ફરિયાદો

રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે સ્થાનિક કક્ષાએ જ સાંભળાશે નાગરિકોની ફરિયાદો

રાજ્યના નાગરિકોને પોતાના પ્રશ્નો અને ફરિયાદોના નિકાલ માટે ગાંધીનગર કે ઉચ્ચ કક્ષાની કચેરીઓ સુધી ધક્કા ખાવા ન પડે તે માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી આદેશ જાહેર કર્યો છે. નવા આદેશ મુજબ હવે પોલીસ કમિશનરથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સુધીના તમામ અધિકારીઓ દરરોજ ફરજિયાત બે કલાક નાગરિકોની રજૂઆતો સાંભળશે અને ફરિયાદોના સ્થાનિક સ્તરે જ ઝડપી નિકાલ માટે કાર્યવાહી કરશે.


નવી વ્યવસ્થા અનુસાર તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી, એસપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ દરરોજ બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન પોતાની કચેરીમાં હાજર રહીને અરજદારોની રજૂઆતો સાંભળશે. જ્યારે તમામ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) દરરોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહીને નાગરિકોની ફરિયાદો અને અરજીઓ સ્વીકારશે.


રાજ્યના પોલીસ વડાએ અરજીઓના નિકાલ માટે પણ સમયમર્યાદા નક્કી કરી છે. આર્થિક ગુનાઓ, પારિવારિક અને વૈવાહિક વિવાદો, તબીબી બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોનો નિકાલ વધુમાં વધુ છ અઠવાડિયામાં કરવાનો રહેશે, જ્યારે અન્ય સામાન્ય અરજીઓનો નિકાલ 15 દિવસની અંદર લાવવાનો રહેશે. પ્રાથમિક તપાસ દરમિયાન સંજ્ઞેય ગુનો બન્યો હોવાનું સામે આવે તો તાત્કાલિક FIR નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.


આ ઉપરાંત, દરેક કચેરીમાં અરજદારોની વિગતો નોંધવા માટે રજિસ્ટર રાખવાની સૂચના આપવામાં આવી છે, જેથી કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે. રાજ્યના પોલીસ વડાએ તમામ અધિકારીઓને નાગરિકોની રજૂઆતો તટસ્થ અને ન્યાયિક રીતે સાંભળીને સમયસર નિકાલ લાવવાની કડક સૂચના આપી છે.