રાજ્યના કૃષિ વિભાગમાં 415 ખેતી મદદનીશોની ભરતી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા નિમણૂંક પત્રો

રાજ્યના કૃષિ વિભાગમાં 415 ખેતી મદદનીશોની ભરતી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા નિમણૂંક પત્રો

ગાંધીનગર ખાતે યોજાયેલા સાદગીપૂર્ણ પરંતુ ગૌરવશાળી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં પસંદગી પામેલા ખેતી મદદનીશ સંવર્ગના ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. રાજ્યભરમાં કુલ 415 યુવાનોની ખેતી મદદનીશ તરીકે પસંદગી કરવામાં આવી છે, જેમાંથી પ્રતિકરૂપે 21 ઉમેદવારોને કાર્યક્રમ દરમિયાન નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ઉમેદવારોને ઈ-મેઈલ મારફતે નિમણૂંક પત્રો મોકલવામાં આવ્યા હતા.


કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવાની મહત્વપૂર્ણ જવાબદારી નવનિયુક્ત કર્મયોગીઓના ખભા પર છે. તેમણે યુવાનોને ટેકનોલોજીનો ઉપયોગ, નવીન કાર્યપદ્ધતિઓ અને સતત સ્વ-અપગ્રેડેશન દ્વારા ખેડૂતોને વધુ અસરકારક માર્ગદર્શન આપવા આહવાન કર્યું હતું.


કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પારદર્શક ભરતી પ્રક્રિયાના કારણે યુવાનો કોઈપણ ભલામણ કે વચેટિયા વિના માત્ર પોતાની મહેનત અને મેરિટના આધારે સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે. તેમણે કૃષિ ક્ષેત્રને દેશના અર્થતંત્રનો પાયો ગણાવી નવનિયુક્ત ઉમેદવારોને ખેડૂતોની સેવા અને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.


જીતુ વાઘાણીએ ‘ખેતી બચાવો અભિયાન’નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જમીનની ફળદ્રુપતા જાળવવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો અતિરેક ઉપયોગ અટકાવવો જરૂરી છે. તેમણે નવનિયુક્ત કર્મયોગીઓને ખેડૂતોમાં જાગૃતિ ફેલાવી પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપવાની અપીલ કરી હતી.


આ પ્રસંગે કૃષિ અગ્ર સચિવ આર.સી. મીણાએ ભરતી પ્રક્રિયાની માહિતી આપી હતી અને નવા ઉમેદવારોનું વિભાગમાં સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ નવી નિમણૂંક મેળવનાર યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.