ગુજરાતમાં ઉનાળાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી કાળઝાળ ગરમી અને હિટવેવની ગંભીર આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં લોકોને અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. વધતા તાપમાનને કારણે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ પહોંચતા ગરમીનો કહેર યથાવત રહ્યો છે. આજે અમદાવાદમાં યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલથી આગામી છ દિવસ સુધી ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની, વધુ પાણી પીવાની અને લૂથી બચવા જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.
આણંદ શહેરમાં પણ ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આગામી દિવસોમાં આણંદમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગરમ પવનો અને ભેજના અભાવે લોકોને ભારે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે નોર્થ ઈસ્ટ રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક બન્યું છે. પવનની દિશામાં ફેરફાર થવાને કારણે ગરમીમાં વધુ વધારો નોંધાશે. આગામી દિવસોમાં રાજ્યના સરેરાશ તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે સતત છ દિવસ સુધી હિટવેવ જેવી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તબીબો દ્વારા નાગરિકોને ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા લોકો માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ગરમીથી બચવા માટે છાશ, લીંબુ પાણી અને પૂરતું પાણી પીવાનું તેમજ સીધા સૂર્યપ્રકાશથી દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે.