રાજકોટમાં સરદાર જયંતિની મધરાતે દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. કાલાવડ રોડ પર આવેલી હોટલ સરાઝામાં ચાલી રહેલી દારૂની પાર્ટી પર LCB ઝોન-2ની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં રાજકોટ અને મોરબીના જાણીતા ઉદ્યોગપતિઓ સહિત 76 લોકો હાજર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે કુલ 38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, 31 ઓક્ટોબરની રાત્રે સરદાર જયંતિ નિમિત્તે ઉજવણી ચાલી રહી હતી. દરમિયાન મધરાતે પોલીસને એક વીડિયો મળ્યો હતો. જેમાં દારૂની મહેફિલ યોજાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસનો છેડો રાજકોટના કાલાવડ રોડ પર આવેલી હોટલ સરાઝા સુધી પહોંચ્યો હતો.
ત્યારબાદ LCB ઝોન-2ની ટીમે હોટલમાં દરોડો પાડ્યો હતો. પોલીસને સ્થળ પરથી મોંઘી બ્રાન્ડની સ્કોચ વ્હિસ્કી, બીયરના ટીન, બોટલો તેમજ ટેબલ પર દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂની 750 MLની કુલ 11 જેટલી ભરેલી અને ખાલી બોટલો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પાર્ટીમાં 43 પુરુષ અને 33 મહિલાઓ હાજર
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલનો આગામી 12 નવેમ્બરે જન્મદિવસ હોવાથી અગાઉથી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં કુલ 76 લોકો હાજર હતા, જેમાં 43 પુરુષો અને 33 મહિલાઓનો સમાવેશ થાય છે. આશરે 30 જેટલાં કપલ પણ પાર્ટીમાં ઉપસ્થિત હતાં.
પોલીસની કાર્યવાહી દરમિયાન હોટલની લાઇટો બંધ કરાઈ
પોલીસ કાર્યવાહી દરમિયાન હોટલની બહારની અને ત્યારબાદ અંદરની લાઇટો બંધ કરી દેવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે. આ ઘટનાને પગલે પોલીસની કામગીરી દરમિયાન લાઇટો કોણે અને શા માટે બંધ કરી તે અંગે સવાલો ઊભા થયા છે. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ કેટલાક રાજકીય આગેવાનોના ફોન પણ ધણધણ્યા હોવાની ચર્ચા સામે આવી હતી.
મહિલાઓના મોઢા ઢાંકવા ટેબલ-ખુરશીના કવરનો ઉપયોગ
પાર્ટીમાં હાજર 33 મહિલાઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ દરમિયાન કેમેરાથી બચવા અને ઓળખ છુપાવવા માટે મહિલાઓના મોઢા પર ટેબલ તથા ખુરશીના કવર બાંધવામાં આવ્યા હોવાની ઘટના ચર્ચામાં આવી હતી. વહેલી સવારે 3:55 કલાકે મહિલાઓને પોલીસ સુરક્ષા હેઠળ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
38 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો
DCP રાકેશ દેસાઈના જણાવ્યા અનુસાર, આ સમગ્ર પ્રકરણમાં કુલ 38 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 35 લોકો પાર્ટીમાં સામેલ હતા, જ્યારે હોટલ મેનેજર સહિત ત્રણ વ્યક્તિઓ સર્વિંગ સ્ટાફના હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓમાં અમદાવાદના ત્રણ વ્યક્તિઓ હિત પટેલ, કુશ ભાડાણીયા અને કુશલ ભાલોડીયાનો સમાવેશ થાય છે. જ્યારે દેવાંશ શાહ વડોદરા અને અક્ષત ગોયલ હરિયાણાનો હોવાનું જાણવા મળ્યું છે.
કેટલા લોકોએ દારૂ પીધો હતો? મેડિકલ રિપોર્ટ બાદ સ્પષ્ટતા થશે
રાજકોટ પશ્ચિમ ઝોનના ACP બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, પોલીસ જ્યારે હોટલની અંદર પહોંચી ત્યારે ટેબલ પરના ગ્લાસમાં દારૂ ભરેલો હતો અને આસપાસ દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. સ્થળ પરથી દારૂ સિવાય અન્ય કોઈ નશાકારક પદાર્થ મળી આવ્યો નથી.
પાર્ટીમાં હાજર મોટાભાગના લોકો નશાની હાલતમાં હોવાની પ્રાથમિક આશંકા છે, પરંતુ કેટલા લોકોએ દારૂનું સેવન કર્યું હતું તે મેડિકલ તપાસના અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. આ મામલે 92થી વધુ વ્યક્તિઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
હાલ પોલીસ દ્વારા હોટલના CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂની વ્યવસ્થા હોટલ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.