Advertisement

રાજકોટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા બે હોટલ માલિકોને જેલ અને ભારે દંડની સજા

રાજકોટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા બે હોટલ માલિકોને જેલ અને ભારે દંડની સજા

રાજકોટ: જો તમે પણ હોટલ કે રેસ્ટોરન્ટ ચલાવો છો અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનું વિચારી રહ્યા છો, તો સાવધાન થઈ જજો. રાજકોટ કોર્ટે ખોરાકમાં ભેળસેળ કરનારાઓ સામે લાલ આંખ કરી એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આશરે ૭ વર્ષ પહેલાં રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ થવાના બે અલગ-અલગ કેસમાં અદાલતે કડક સજા ફટકારી છે.


કોર્ટે 'GJ3 ઢોસા કોર્નર' નામના પ્રખ્યાત આઉટલેટના સાંભારના નમૂના ટેસ્ટિંગમાં ફેઈલ સાબિત થતાં તેના સંચાલક રવિ મેઘાણીને ૫ મહિનાની જેલની સજા અને ₹૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. જ્યારે બીજા કેસમાં 'દ્વારકાધીશ હોટલ' માં પીરસવામાં આવતી લસણની ચટણીનો નમૂનો સ્વાસ્થ્ય માટે હાનિકારક જાહેર થતાં તેના સંચાલક કનુ બાંભવાને ૬ મહિનાની સખત જેલની સજા સાથે ₹૨ લાખનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.


રાજકોટ કોર્ટનો આ ચુકાદો એવા તત્વો માટે કડક ચેતવણી સમાન છે જેઓ વધુ નફો કમાવવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે. ગ્રાહકોના જીવ સાથે રમત કરનારાઓ માટે કાયદાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓને બિલકુલ સાંખી લેવામાં નહીં આવે અને તેમને જેલના સળિયા પાછળ ધકેલાવું જ પડશે.

Advertisement