રાજકોટમાં બુલડોઝર એક્શન: જંગલેશ્વરના 1400 મકાનો જમીનદોજ, સુરક્ષા માટે ‘નો ફ્લાય ઝોન’

રાજકોટમાં બુલડોઝર એક્શન: જંગલેશ્વરના 1400 મકાનો જમીનદોજ, સુરક્ષા માટે ‘નો ફ્લાય ઝોન’

રાજકોટ મહાનગરપાલિકા (RMC) સોમવારે (23મી ફેબ્રુઆરી) શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ આખરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-163 લાગુ કરી દેવામાં આવી છે.શહેરમાં જડબેસલાક સુરક્ષા અને પ્રતિબંધો


મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. 1130થી વધુ મનપા કર્મચારીઓ (ખાસ એપ્રન અને હેલમેટ સાથે). 260થી વધુ વાહનો જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની 55,000 ચો.મી. અને ટી.પી. રોડની 32,000 ચો.મી. મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.


વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે.


વૈકલ્પિક આવાસ નહીં અપાય


તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેનો પુરાવો વીડિયો દ્વારા જારી કરાયો છે. આથી, આ વખતે કોઈ પણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા.


કેમ અનિવાર્ય બન્યું ડિમોલિશન?


આ વિસ્તારની શેરીઓ એટલી સાંકડી છે કે કોઈ દુર્ઘટના સમયે બચાવ કાર્ય અશક્ય બને છે. ચોમાસામાં આજી નદીના પૂરના કારણે દર વર્ષે અહીં જાનમાલનું જોખમ રહે છે. આ વિસ્તાર કેટલાક તત્વોની ગુનાહિત પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ ગણાય છે.


ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી મનપાની ટીમોની હાજરીને પગલે વિસ્તારમાં ગમગીની અને આક્રોશનો માહોલ છે. અનેક પરિવારો આંસુઓ સાથે પોતાના ઘરનો સામાન ફેરવી રહ્યા છે, તો બીજી તરફ મહિલાઓ અને બાળકો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે. સોમવારે સવારે 8 વાગ્યાથી બુલડોઝર ગર્જવાનું શરૂ થશે, જે અંદાજે ત્રણ દિવસ સુધી ચાલશે.