રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે આજે શહેરના જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં નડતરરૂપ ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે (૧૨ મે) વહેલી સવારથી જ મનપાની ટીમે ભીમનગર વિસ્તારમાં ત્રાટકીને આક્રમક ડિમોલિશન શરૂ કર્યું હતું, જેમાં માર્ગમાં અવરોધરૂપ બનેલી કુલ ૩૩ જેટલી ગેરકાયદે મિલકતોને તોડી પાડવામાં આવી છે. મનપાના આ 'બુલડોઝર એક્શન'ને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, ભીમનગર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોની સંખ્યા વધી રહી હોવાની અને તેના કારણે ટ્રાફિક તેમજ અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો મનપાને મળી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ જેસીબી અને અન્ય ભારે મશીનરીના કાફલા સાથે સ્થળ પર પહોંચી હતી. કોઈપણ જાતના અવરોધ વિના કામગીરી પૂર્ણ કરવા માટે મનપાની વિજિલન્સ શાખા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સવારથી શરૂ થયેલી આ કામગીરી દરમિયાન નાની-મોટી ૩૩ મિલકતો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાના આ કડક વલણને જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ વધુ તેજ બનશે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે જાહેર માર્ગો પર દબાણ કરનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં. હાલમાં મનપાની આ કામગીરીની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે અને અન્ય દબાણકર્તાઓમાં પણ ફાળ પડી છે.