Advertisement

રાજકારણમાં નવો વળાંક: રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો ભાજપમાં જોડાયા

રાજકારણમાં નવો વળાંક: રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો ભાજપમાં જોડાયા

નવી દિલ્હી: દેશની રાજનીતિમાં મોટો ઉથલપાથલ સર્જાયો છે. આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ સહિત કુલ 7 સાંસદોએ 24 એપ્રિલે રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવાની જાહેરાત કરી. બાદમાં શુક્રવારે સાંજે નવી દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટરમાં તેમનું સત્તાવાર સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં ભાજપ અધ્યક્ષ નિતિન નબીનએ લાડુ ખવડાવીને સ્વાગત કર્યું.


આ રાજકીય ફેરફાર છતાં, આ સાંસદોની રાજ્યસભાની સભ્યતા પર કોઈ અસર નહીં પડે. બંધારણની 10મી અનુસૂચિ મુજબ, જો કોઈ પક્ષના બે-તૃતિયાંશ (2/3) સભ્યો એકસાથે પક્ષ બદલાવે, તો તેને “વિલય” માનવામાં આવે છે અને સભ્યતા યથાવત્ રહે છે. AAPના કુલ 10 રાજ્યસભા સાંસદોમાંથી 7એ એકસાથે પક્ષ છોડ્યો હોવાથી તેઓ કાયદાકીય રીતે સુરક્ષિત છે.


આ પગલાથી રાજ્યસભામાં ભાજપની શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. ભાજપના સભ્યોની સંખ્યા વધીને અંદાજે 113 થઈ છે, જ્યારે NDA ગઠબંધનનું કુલ સંખ્યાબળ 136 સુધી પહોંચી ગયું છે, જેના કારણે સરકાર માટે મહત્વના બિલ પાસ કરાવવાનું વધુ સરળ બનશે.


આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝટકો સાબિત થયો છે. અરવિંદ કેજરીવાલએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે “ભાજપે ફરી પંજાબીઓ સાથે દગો કર્યો છે.” જ્યારે AAPના નેતા સંજય સિંહએ આ ઘટનાને “ઓપરેશન લોટસ” સાથે જોડતા ભાજપ પર આક્ષેપ કર્યા કે કેન્દ્ર સરકાર પક્ષ તોડવાની રાજનીતિ કરી રહી છે.


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ પણ કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપ ‘વોશિંગ મશીન’ રાજનીતિ દ્વારા અન્ય પક્ષોને નબળા બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ પ્રકારના પગલાંથી પંજાબની જનતા સાથે વિશ્વાસઘાત થયો છે.


આ સમગ્ર ઘટનાક્રમથી AAP રાજ્યસભામાં નબળી પડી છે, જ્યારે ભાજપ અને NDA ગઠબંધન વધુ મજબૂત બન્યું છે. રાજકીય વર્તુળોમાં આ ઘટનાને મોટા પાવર શિફ્ટ તરીકે જોવામાં આવી રહી છે.

Advertisement