Advertisement

રાઘવ ચઢ્ઢાનો હુંકાર: "મારી ખામોશીને હાર ન સમજતા"

રાઘવ ચઢ્ઢાનો હુંકાર: "મારી ખામોશીને હાર ન સમજતા"

 નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા પદ પરથી હટાવવામાં આવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ મૌન તોડ્યું છે. તેમણે એક આક્રમક વિડીયો જાહેર કરીને સીધો સવાલ કર્યો છે કે, "શું જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે?" આ નિવેદન સાથે જ તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પાર્ટીના આ નિર્ણયથી નારાજ છે અને હવે લડાયક મૂડમાં છે.


"મારી ખામોશીને હાર ન સમજતા": રાઘવની ખુલ્લી ચેતવણી

પોતાની પ્રતિક્રિયા આપતા રાઘવ ચઢ્ઢાએ અત્યંત ધારદાર અંદાજમાં કહ્યું કે, સંસદમાં જ્યારે પણ તેમને તક મળી છે, ત્યારે તેમણે મધ્યમ વર્ગ અને જનતાને સ્પર્શતા પાયાના મુદ્દાઓ ઉઠાવ્યા છે. તેમણે વિરોધીઓ અને પાર્ટીના આંતરિક વિરોધીઓને ચેતવણી આપતા શેર ટાંક્યો હતો કે, "મેરી ખામોશી કો મેરી હાર મત સમજ લેના, મેં વો દરિયા હૂં જો વક્ત આને પર સૈલાબ બનતા હૈ." તેમણે આક્ષેપ કર્યો કે તેમને ચૂપ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તેઓ ડરવાના નથી.


પદ છીનવાયું અને બોલવા પર પણ પ્રતિબંધની માંગ

આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને રાઘવ ચઢ્ઢાને ઉપનેતા પદ પરથી હટાવવાની સત્તાવાર વિનંતી કરી. એટલું જ નહીં, પાર્ટીએ એવી પણ રજૂઆત કરી છે કે રાઘવ ચઢ્ઢાને AAPના નિર્ધારિત ક્વોટામાંથી બોલવા માટે સમય ફાળવવામાં ન આવે. તેમના સ્થાને હવે પંજાબના સાંસદ અશોક મિત્તલની નિમણૂક કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે, જે રાઘવ માટે મોટો રાજકીય ફટકો માનવામાં આવે છે.


કેજરીવાલ અને રાઘવ વચ્ચે કેમ સર્જાઈ તિરાડ?

એક સમયે અરવિંદ કેજરીવાલના 'જમણા હાથ' ગણાતા રાઘવ ચઢ્ઢા છેલ્લા કેટલાક સમયથી હાંસિયામાં ધકેલાયા છે. મુખ્યત્વે માર્ચ 2024માં જ્યારે કેજરીવાલની ધરપકડ થઈ, ત્યારે રાઘવની લાંબી ગેરહાજરી અને વિદેશ પ્રવાસ ચર્ચાનો વિષય બન્યો હતો. કેજરીવાલ અને અન્ય નેતાઓના જેલવાસ દરમિયાન તેમનું રહસ્યમય મૌન અને તાજેતરની મહત્વની રેલીઓ કે પ્રેસ કોન્ફરન્સમાં તેમની ગેરહાજરીએ પાર્ટી નેતૃત્વને નારાજ કર્યું છે. પાર્ટીનું માનવું છે કે ચઢ્ઢા હવે સંસદમાં પક્ષનો પક્ષ મજબૂતીથી રજૂ કરી રહ્યા નથી.


જનતાના મુદ્દા કે રાજકીય લડાઈ?

રાઘવ ચઢ્ઢાએ પોતાના વિડીયોમાં મધ્યમ વર્ગ પર ટેક્સનું ભારણ, એરપોર્ટ પર વધારાના સામાનના ચાર્જ અને ડેટા એક્સપાયરી જેવા સામાન્ય માણસને સ્પર્શતા મુદ્દાઓ ઉઠાવ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે AAPમાં હવે રાઘવ ચઢ્ઢાનું સ્થાન જોખમમાં છે અને પંજાબથી રાજ્યસભામાં ગયેલા આ યુવા નેતા અને પાર્ટી વચ્ચે હવે 'આરપાર'ની જંગ શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં આ આંતરિક કલહ પક્ષ માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

Advertisement