પુર પરિસ્થિતિ વચ્ચે ખેડાની તમામ શાળાઓ-આંગણવાડી બંધ રહેશે
ખેડા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લા કલેકટરે જિલ્લાની તમામ શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રોમાં સોમવારે રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના કારણે નાગરિકો માટે સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.આમ બાળકોની સલામતી ના હિતને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.
ખેડા જિલ્લામાં તથા આજુબાજુના જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી, મહી, વાત્રક, શેઢી સહિતની નદીઓ અને બીજા નાળાઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા સેવાઇ રહી છે.
આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેથી જિલ્લામાં કોઈ અઘટિત આકસ્મિક ઘટના બનવા ન પામે તેના માટે સલામતી અને સાવચેતીના પગલાં રૂપે તા.8 સપ્ટેમ્બર ને સોમવારના રોજ ખેડા જિલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અને અભ્યાસ કરતાં બાળકો માટે રજા જાહેર કરવામાં આવી છે.