15 દિવસ પછી ફાગણ મહિનાની શરૂઆત થવાની છે. આ મહિનાથી વસંત ઋતુની શરૂઆત થાય છે. આ મહિનામાં હોળી જેવા મોટા વ્રત-પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 3 માર્ચ (ફાગણ પૂનમ) ના રોજ થશે અને 4 માર્ચના રોજ ધૂળેટી રમવામાં આવશે. જાણો ફાગણ માસ સાથે જોડાયેલી પરંપરાઓ…
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, ફાગણ માસમાં ભગવાન શિવ, વિષ્ણુજી, શ્રીકૃષ્ણની સાથે ભક્ત પ્રહલાદની વિશેષ પૂજા કરવી જોઈએ, કારણ કે આ જ મહિનાની પૂનમે ભક્ત પ્રહલાદની પૂજાનું પર્વ હોલિકા દહન મનાવવામાં આવે છે.
આ મહિનામાં રોજ સવારે વહેલા જાગવું જોઈએ અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ. આ માટે તાંબાના લોટામાં જળ ભરો અને પછી કંકુ, ચોખા, ફૂલ નાખો, પછી સૂર્યને અર્ઘ્ય ચઢાવો. ફાગણ માસમાં ખેડૂતોના પાક પાકવાનું શરૂ થઈ જાય છે. આ સમય પાક આવવાનો છે, તેથી ફાગણમાં ખેડૂતો ઉત્સવ મનાવે છે.
ફાગણ માસ સાથે જોડાયેલી પરંપરાઓ
- ફાગણ માસમાં મથુરા, વૃંદાવન, ગોકુળ, બરસાના, ગોવર્ધન પર્વત ક્ષેત્રમાં દર્શન-પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. આ મહિને મથુરાની આસપાસ ઘણા દિવસો સુધી હોળી રમવામાં આવે છે. શ્રીકૃષ્ણના લાખો ભક્તો આ દિવસોમાં મથુરા અને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા સ્થળોની યાત્રા કરે છે. અહીં યમુના નદીમાં સ્નાન કરીને દાન-પુણ્ય કરવાની પરંપરા છે.
- આ મહિને ઘરમાં બિરાજમાન લડ્ડુ ગોપાલનો રોજ અભિષેક કરવો જોઈએ. પૂજા-પાઠમાં તુલસી સાથે માખણ-મિશ્રીનો ભોગ લગાવવો જોઈએ. અભિષેક માટે દક્ષિણાવર્તી શંખનો ઉપયોગ કરશો તો ખૂબ જ શુભ રહેશે. પૂજામાં 'કૃં કૃષ્ણાય નમ:' મંત્રનો જાપ કરવો જોઈએ.
- કોઈ મંદિરમાં ભગવાનની પૂજા માટે તેલ, ઘી, ગુલાલ, કુમકુમ, ચોખા, અબીલ, વસ્ત્ર, જનોઈ, ચુંદડી જેવી પૂજન સામગ્રી ભેટ કરો. પોતાની શક્તિ અનુસાર ધનનું દાન કરો.
- કોઈ ગૌશાળામાં ગાયોને લીલું ઘાસ ખવડાવો. ગાયોની દેખભાળ માટે ગૌશાળામાં ધનનું દાન કરો. કોઈ તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો.
- ફાગણ માસ મંત્ર જાપ અને ધ્યાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસોમાં હવામાનમાં ન તો વધુ ઠંડી હોય છે અને ન તો વધુ ગરમી હોય છે. આ કારણોસર, આ દિવસોમાં કરવામાં આવતા ધ્યાનમાં એકાગ્રતા જળવાઈ રહે છે. ધ્યાન કરવાથી નકારાત્મક વિચારો દૂર થાય છે.