Advertisement

પ્રગતિનગર મકાન વિવાદ: 6 વર્ષ બાદ પણ રાહ જોઈ રહેલા રહીશો, કોંગ્રેસે ઉઠાવ્યું મુદ્દો

પ્રગતિનગર મકાન વિવાદ: 6 વર્ષ બાદ પણ રાહ જોઈ રહેલા રહીશો, કોંગ્રેસે ઉઠાવ્યું મુદ્દો

નડિયાદમાં આવેલ પ્રગતિનગર હાઉસિંગ સોસાયટીના અમુક મકાનો ૬ વર્ષ પહેલા ચોમાસામાં પડી ગયા હતા તે વખતે સરકારે તમામ મકાનો ખાલી કરાવ્યા હતા અને ટૂંક સમયમાં જ અહીંના લોકોને મકાનો મળશે. તેવું વચન આપ્યું હતું. પરંતુ ૬ વર્ષ થયા છતાં પણ હજુ સુધી આ લોકોને મકાન મળ્યા નથી જેથી નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખે આ બાબતે પ્રદેશ કોંગ્રેસ મારફતે રજૂઆત કરાવી છે. જેના પગલે ખૂબ ટૂંક સમયમાં કામ ચાલુ થાય તેવી શક્યતા રહેલી છે.

નડિયાદ શહેર (જિલ્લા) કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટે મીડિયાને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ૭૦ ના દાયકામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નડિયાદ શહેરમાં કપડવંજ રોડ પર આવેલ પ્રગતિનગરમાં ઓછી આવક ધરાવતા ૯૦૦ જેટલા ગરીબ પરિવારો માટે એલ.આઈ.જી. સ્કીમ હેઠળ ત્રણ માળીયા મકાનો બનાવ્યા હતાં.

ચાલીસથી પચાસ વર્ષ જૂના મકાનનો કેટલોક જર્જરીત ભાગ આજથી અંદાજે ૬ વર્ષ પહેલા તા. ૯ ઓગસ્ટ,૨૦૧૯ ના રોજ ચોમાસાની સિઝનમાં એકાએક તૂટી પડતાં બહુમોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક માસુમ બાળકી સહિત ચાર વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતાં. જે તે સમયે તેના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં. રાજ્ય સરકારે અસરગ્રસ્ત લોકોના રોષને શાંત પાડવા તાબડતોબ બાંધકામ એન્જીનીયરોનો અભિપ્રાય મેળવી ચાલીસથી પંચાસ વર્ષ જુના આ ત્રણ માળીયા મકાનો અત્યંત જર્જરીત ભયજનક અને રહેવાલાયક સ્થિતિમાં રહ્યા ના હોઈ પ્રગતિનગર હાઉસિંગ બોર્ડના મકાનોમાં વસવાટ કરતા તમામ ગરીબ પરિવારોને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડવા બળજબરીપૂર્વક રાતોરાત મકાનો ખાલી કરાવ્યા હતા અને બેઘર થયેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને પુનર્વસવાટ માટે ઝડપી નવા મકાન બનાવી આપવાનું આસ્વાસન આપ્યું હતું. તેથી પ્રગતિનગર હાઉસિંગ બોર્ડના મકાનોમાં વસવાટ કરતા તમામ ગરીબ પરિવારોએ રાજ્ય સરકાર ઉપર ભરોસો રાખીને મને -કમને મકાનો ખાલી કરી આપ્યા હતાં. ત્યારબાદ રાજ્ય સરકારે આજદિન સુધી પ્રગતિનગર હાઉસિંગ બોર્ડના અસરગ્રસ્ત ગરીબ પરિવારોના પુનર્વસવાટ માટે નવા મકાન બનાવવા અંગે કોઈ ઠોસ પ્રક્રિયા હાથ ધરેલ હોય તેમ અસરગ્રસ્ત પરિવારોને જણાતું ન હતું. જે અંગે નડિયાદ શહેર કોંગ્રેસે પ્રદેશ કોંગ્રેસ મારફતે ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનર અને મુખ્યમંત્રી સુધી અસરકારક રજૂઆતો કરી છે તેના પરિણામ સ્વરૂપે રીડેવલોપમેન્ટ પોલિસી-૨૦૧૬ હેઠળ પ્રગતિનાગર હાઉસિંગ બોર્ડના મકાનોના રીડેવલોપમેન્ટ માટેના બારમાં પ્રયત્નના ટેન્ડર હેઠળ ગુજરાત હાઉસિંગ બોર્ડની દરખાસ્તને સ્ટેટ લેવલ સ્ક્રીનીંગ કમિટી દ્વારા ૩૦૦+૬૦૦ = ૯૦૦ એલ.આઈ.જી. પ્રગતિનગર પુનેશ્વર- નડિયાદ રીડેવલોપમેન્ટ યોજનાના નેગેટીવ પ્રીમીયમ રકમ તબ્દીલપત્ર વિકાસના હક્કોના બદલે નાના સ્વરૂપે ચૂકવવા અંગેની બાબતને રાજ્ય સરકારની મંજૂરી મળ્યેથી તથા રાજ્ય સરકારના નિયમ મુજબ પ્રગતિનગર-પુનેશ્વર રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટની ટેકનિકલ ચકાસણીને આધીન રહીને વહીવટી મંજૂરી આપેલ છે. જેથી ટૂંક સમયમાં આ કામ ચાલુ થઈ શકે છે.

Advertisement