આણંદ: રાજ્યભરમાં ઉજવાઈ રહેલા ‘પોષણ પખવાડિયા’ નિમિત્તે આણંદ જિલ્લામાં કિશોરીઓના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવાના ઉમદા હેતુ સાથે ICDS વિભાગ, આરોગ્ય વિભાગ તથા સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત સહયોગથી આશ્રમ શાળાની દીકરીઓ માટે એક કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન આશ્રમ શાળાની દીકરીઓના સ્વાસ્થ્યનું ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત ટીમ દ્વારા દીકરીઓનું વજન, ઊંચાઈ, હિમોગ્લોબિન (HB) અને બોડી માસ ઈન્ડેક્સ (BMI) માપવામાં આવ્યા હતા. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓમાં કુપોષણ કે એનિમિયા જેવી સમસ્યાઓનું વહેલી તકે નિદાન કરી તેમને યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવાનો હતો. આરોગ્ય તપાસની સાથે દીકરીઓને સ્વાસ્થ્ય અંગે સજાગ કરવા માટે માર્ગદર્શન શિબિર પણ યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીકરીઓને એનિમિયા/લોહીની ઉણપના લક્ષણો અને તેના નિવારણ વિશે જાણકારી આપી, સ્વસ્થ જીવનશૈલી માટે જરૂરી યોગ્ય આહાર, વ્યક્તિગત સ્વચ્છતા અને પૌષ્ટિક ખોરાક લેવા અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે કિશોરીઓ માટે મહેંદી સ્પર્ધા તેમજ પોસ્ટર મેકિંગ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિમાં કિશોરીઓએ મહેંદીના આકર્ષક ડિઝાઇન તથા પોસ્ટર દ્વારા પોષણ અને આરોગ્ય સંબંધિત પ્રેરણાત્મક સૂત્રો રજૂ કર્યા. જેમાં “સ્વસ્થ શરીર, સ્વસ્થ મન”, “લોહિયુક્ત આહાર લેવો – એનિમિયા દૂર રાખો” જેવા સંદેશાઓ દ્વારા આરોગ્ય જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી, આશ્રમ શાળાના પ્રિન્સિપાલશ્રી, આરોગ્ય વિભાગની ટીમ, જિલ્લા પૂર્ણા કન્સલટન્ટ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.