પોરબંદર હાઈવે પર પોલીસની કાર્યવાહી, 229 પેટી વિદેશી દારૂ સાથે પિકઅપ વાહન જપ્ત

પોરબંદર હાઈવે પર પોલીસની કાર્યવાહી, 229 પેટી વિદેશી દારૂ સાથે પિકઅપ વાહન જપ્ત

પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉદ્યોગનગર પોલીસને સોમનાથ-દ્વારકા નેશનલ હાઈવે પરથી એક શંકાસ્પદ પિકઅપ વાહનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ભરેલું બોલેરો પિકઅપ વાહન સહિત કુલ રૂ.22.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની સર્વેલન્સ ટીમ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે કાળા કપડાથી ઢાંકેલું એક પિકઅપ વાહન શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યું હતું. પોલીસે વાહનને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે પિકઅપ ભગાવી દીધી હતી. ત્યારબાદ પોલીસે વાહનનો પીછો કરી તેને ઘેરી લીધું હતું.

પોલીસ નજીક પહોંચતા જ વાહન ચાલક અને તેની સાથે રહેલા અન્ય શખ્સો પિકઅપ છોડીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે વાહનની તપાસ કરતાં તેમાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.

તપાસ દરમિયાન કુલ 229 પેટીમાંથી 2,748 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અંદાજે રૂ.17.86 લાખનો હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત આશરે રૂ.5 લાખની કિંમતનું બોલેરો પિકઅપ વાહન પણ કબજે લેવામાં આવ્યું છે.

આમ, પોલીસે કુલ રૂ.22.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ઉદ્યોગનગર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેને ક્યાં પહોંચાડવાનો હતો અને સમગ્ર હેરાફેરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ફરાર ચાલક સહિત અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.