અરવલ્લીમાં પોલીસ અને શંકાસ્પદ આરોપીઓ વચ્ચે ધમાસાણ…
પોલીસ પર બંદૂક તાકવામાં આવતા PIએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું!
પરંતુ અંધારાનો લાભ લઈને બે આરોપીઓ ફરાર થઈ ગયા!
અરવલ્લીના ધનસુરા તાલુકાના શિનોલ ગામ પાસે SOG પોલીસે પોશડોડા ભરેલી કાળા રંગની સ્કોર્પિયો કારને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.
SOGને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમ શંકાસ્પદ સ્કોર્પિયોનો પીછો કરી રહી હતી.
પોલીસે ગાડી રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ સ્કોર્પિયોને પોલીસ વાહન સાથે અથડાવી દીધી.
આ પછી મામલો વધુ ઉગ્ર બન્યો…
આરોપીઓએ પોલીસ પર રિવોલ્વર જેવી બંદૂક તાકી હોવાનો પોલીસનો દાવો છે.
જેના જવાબમાં SOGના PI પી.બી. ચૌધરીએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું.
ગાડી અથડાવાની અને ધમાસાણની આ ઘટનામાં પોલીસવાનના ડ્રાઈવર પ્રકાશસિંહ અને PI પી.બી. ચૌધરી ઈજાગ્રસ્ત થયા છે.
જોકે, અંધારાનો લાભ લઈને બંને શંકાસ્પદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ફરાર આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે, આ અંગે તપાસ હજુ ચાલી રહી છે.
ઘટનાની ગંભીરતાને પગલે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
આરોપીઓ અન્ય રાજ્યમાં ભાગી ન જાય તે માટે ગુજરાત-રાજસ્થાન બોર્ડરની ચેકપોસ્ટો પર એલર્ટ જાહેર કરી સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
હવે વાત માત્ર અરવલ્લી સુધી સીમિત નથી…
બિશ્નોઈ ગેંગ અને તેના સાથે જોડાયેલા ગેંગસ્ટરોના નામ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં બનેલી અનેક ફાયરિંગ અને ખંડણીની ઘટનાઓના સંદર્ભમાં પણ સામે આવ્યા છે.
ઓક્ટોબર 2025માં કેનેડાના સરે શહેરમાં ભારતીય રેસ્ટોરન્ટના માલિકના અનેક સ્થળો પર ફાયરિંગ થયું હતું. સોશિયલ મીડિયા પર ગોલ્ડી ઢિલ્લોન સાથે જોડાયેલા હેન્ડલે આ હુમલાની જવાબદારી લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સરે સ્થિત કોમેડિયન કપિલ શર્માના કૅપ્સ કેફે પર જુલાઈથી ઓક્ટોબર 2025 દરમિયાન ત્રણ વખત ફાયરિંગની ઘટનાઓ બની હતી. આ હુમલાઓને પણ ગેંગ સાથે જોડાયેલા શૂટરો સાથે સાંકળવામાં આવ્યા હતા.
કેનેડામાં દક્ષિણ એશિયન મૂળના લોકો, રાજકારણીઓ અને સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પાસેથી ખંડણી વસૂલવાના પ્રયાસો અંગે પણ તપાસ સામે આવી છે. કેનેડિયન પોલીસની Project GARTER તપાસમાં પૈસા ન ચૂકવવા બદલ ઘરો પર ફાયરિંગ અને પેટ્રોલ બોમ્બ હુમલાની ઘટનાઓનો પણ ઉલ્લેખ થયો હતો.
હવે અરવલ્લીની ઘટનામાં પોલીસ પર બંદૂક તાકનાર આ બંને આરોપીઓ ખરેખર કોણ છે?
તેમનો બિશ્નોઈ ગેંગ સાથે કેટલો સંબંધ છે?
અને પોલીસની પકડમાંથી ફરાર થયેલા આરોપીઓ ક્યાં છુપાયા છે?
આ તમામ સવાલોના જવાબ હવે અરવલ્લી પોલીસની તપાસમાં સામે આવશે.