અમદાવાદ: ડિજિટલ પેમેન્ટને વધુ સરળ અને સુરક્ષિત બનાવવા માટે ગૂગલ પેએ એક નવું ફીચર ‘Pocket Money’ લોન્ચ કર્યું છે. આ સુવિધા દ્વારા માતા-પિતા હવે પોતાના બાળકોને ડિજિટલ રીતે પોકેટ મની આપી શકશે. આ ફીચર ખાસ કરીને બાળકોને સુરક્ષિત રીતે ડિજિટલ પેમેન્ટની દુનિયામાં જોડવા માટે બનાવવામાં આવ્યું છે.
આ નવી સુવિધામાં માતા-પિતા પોતાના બેન્ક એકાઉન્ટને બાળકોના Google Pay સાથે જોડીને તેમને નાની રકમ ખર્ચવા માટે મંજૂરી આપી શકે છે. ખાસ વાત એ છે કે બાળકનું અલગ બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી નથી; પૈસા સીધા માતા-પિતાના એકાઉન્ટમાંથી જ કપાય છે.
‘Pocket Money’ શું છે?
‘Pocket Money’ એક પ્રકારનું ડિજિટલ પોકેટ છે. જેમ લોકો પોતાના ખિસ્સામાં થોડા પૈસા રાખે છે, તેવી જ રીતે Google Payમાં પણ મુખ્ય બેન્ક એકાઉન્ટમાંથી થોડા પૈસા અલગ રાખીને નાના-મોટા ખર્ચ માટે ઉપયોગ કરી શકાય છે. આમાં સામાન્ય રીતે ₹2000થી ₹5000 સુધીની રકમ રાખી શકાય છે, જેથી વારંવાર PIN નાખવાની જરૂર ન પડે અને નાના ટ્રાન્ઝેક્શન સરળ બને.
‘UPI Circle’ સિસ્ટમ પર આધારિત
આ ફીચર UPI Circle સિસ્ટમ પર આધારિત છે. તેમાં માતા-પિતા મુખ્ય યુઝર હોય છે અને તેઓ બાળકો અથવા પરિવારના અન્ય સભ્યોને સેકન્ડરી યુઝર તરીકે ઉમેરાવી શકે છે. એક વાલી પોતાના એકાઉન્ટ સાથે વધુમાં વધુ 5 સેકન્ડરી યુઝર્સ જોડાવી શકે છે.
ખર્ચ પર નિયંત્રણ રાખવા બે વિકલ્પ
Google Pay માતા-પિતાને બાળકોના ખર્ચ પર નજર રાખવા માટે બે વિકલ્પ આપે છે:
1. માસિક મર્યાદા
માતા-પિતા દર મહિને ₹15,000 સુધીની લિમિટ નક્કી કરી શકે છે. આ મર્યાદાની અંદર બાળક વાલી પાસે મંજૂરી લીધા વગર પેમેન્ટ કરી શકે છે.
2. દરેક પેમેન્ટ પર મંજૂરી
જો વાલીઓ ઈચ્છે તો દરેક ટ્રાન્ઝેક્શન માટે મંજૂરી સિસ્ટમ પણ રાખી શકે છે. તેમાં બાળક જ્યારે પેમેન્ટ કરવાનો પ્રયત્ન કરશે ત્યારે માતા-પિતાના ફોન પર રિક્વેસ્ટ આવશે અને તેમની મંજૂરી પછી જ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થશે.
સુરક્ષા અને વેરિફિકેશન
બેન્કિંગ નિયમોનું પાલન કરવા માટે સેકન્ડરી યુઝર એટલે કે બાળકની વિગતો વેરિફાય કરવી જરૂરી રહેશે. આ માટે બાળક સાથેના સંબંધ દર્શાવતા ઓળખપત્રની જરૂર પડી શકે છે.
શું આ સ્કેમ છે?
તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ ફીચર અંગે કેટલાક ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ હકીકતમાં આ Google Payનું સત્તાવાર ફીચર છે. માત્ર કોઈ આઇકન દેખાવાથી પૈસા કપાતા નથી અને માતા-પિતાની મંજૂરી વગર કોઈ ટ્રાન્ઝેક્શન થતું નથી.
Pocket Money કેવી રીતે સેટ કરવું?
- Google Pay એપ ખોલો
- હોમ સ્ક્રીન પર Pocket Money વિકલ્પ પસંદ કરો
- Activate અથવા Set Up પર ક્લિક કરો
- તમારા બેન્ક એકાઉન્ટમાંથી જરૂરી રકમ એડ કરો
- હવે નાના પેમેન્ટ સરળતાથી કરી શકશો
ડિજિટલ પેમેન્ટના વધતા પ્રભાવ વચ્ચે Google Payનું આ નવું ફીચર બાળકોને નાણાકીય શિસ્ત અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સમજ આપવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.