Advertisement

PM મોદીની જનતાને મોટી અપીલ: દેશહિતમાં એક વર્ષ સુધી સોનું-ચાંદી ન ખરીદવા કર્યો અનુરોધ, ગુજરાતના બજાર પર થશે મોટી અસર

PM મોદીની જનતાને મોટી અપીલ: દેશહિતમાં એક વર્ષ સુધી સોનું-ચાંદી ન ખરીદવા કર્યો અનુરોધ, ગુજરાતના બજાર પર થશે મોટી અસર

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જનતાને સોનાની ખરીદી પર સ્વ-અંકુશ લાદવા માટે એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ફંડમાં અપેક્ષિત સફળતા ન મળતા અને આયાત જકાત (Import Duty) માં ફેરફાર છતાં સોનાની માંગમાં ઘટાડો ન થતા, વડાપ્રધાને પ્રજાને આગામી એક વર્ષ સુધી કિંમતી ધાતુઓની ખરીદી ટાળવા વિનંતી કરી છે. ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યમાં, જ્યાં સોના-ચાંદીનો વપરાશ ખૂબ ઊંચો છે, ત્યાં આ અપીલની બજાર પર વ્યાપક અસર થવાની શક્યતા સેવાઈ રહી છે.


ગુજરાત ભારતના સૌથી મોટા સોનાના બજારોમાંનું એક છે. આંકડાઓ અનુસાર, ગુજરાતનો વાર્ષિક સોનાનો વપરાશ અંદાજે 70 થી 100 ટન છે, જે ભારતના કુલ વપરાશમાં 10-12% હિસ્સો ધરાવે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, ઊંચા ભાવ છતાં ફેબ્રુઆરી 2026 સુધીના સમયગાળામાં ગુજરાતમાં સોનાની આયાતમાં 30% અને ચાંદીની આયાતમાં 150% જેવો માતબર ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાત માત્ર ડાયમંડ હબ જ નહીં, પરંતુ જ્વેલરી નિકાસમાં પણ અગ્રેસર છે. જોકે, જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના ચેરમેન રાજેશ રોકડેના જણાવ્યા મુજબ, પીએમની આ અપીલ દેશહિતમાં છે પરંતુ તેનાથી આ સેક્ટર સાથે સંકળાયેલા અંદાજે એક કરોડ લોકોની રોજગારી પર સીધી અસર પડી શકે છે.


ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો સોનાનો આયાતકાર દેશ છે, જ્યાં વાર્ષિક વપરાશ 700-800 ટન છે, પરંતુ ઉત્પાદન માત્ર 1 થી 2 ટન જ થાય છે. ક્રૂડ ઓઈલ પછી સોનું ભારતની બીજી સૌથી મોટી આયાત છે, જે દેશના આયાત બિલમાં 8% હિસ્સો ધરાવે છે. આ નિર્ભરતા ઘટાડવા માટે ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે સરકારને 'ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ' (Gold Monetization Scheme) નો પ્રસ્તાવ આપ્યો છે. નિષ્ણાતોના મતે ભારતીય ઘરોમાં 40,000 થી 50,000 ટન સોનું સંગ્રહાયેલું છે. જો તેમાંથી 10 થી 20% સોનું પણ સિસ્ટમમાં પાછું આવે તો સોનાની આયાત પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થઈ શકે છે અને દેશની તિજોરી પરનું ભારણ ઘટી શકે છે.

Advertisement