Advertisement

PM મોદીની અપીલની અસર: પોલીસ કોન્સ્ટેબલે મોંઘી કારો છોડી બળદગાડામાં કાઢી જાન, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

PM મોદીની અપીલની અસર: પોલીસ કોન્સ્ટેબલે મોંઘી કારો છોડી બળદગાડામાં કાઢી જાન, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

નારાયણપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને કરવામાં આવેલી ઇંધણ બચાવવા અને ખોટા ખર્ચ પર કાપ મૂકવાની અપીલની અસર હવે દેશના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં એક પોલીસ કોન્સ્ટેબલે પોતાના લગ્નમાં આધુનિક અને મોંઘા વાહનોનો લાંબો કાફલો રાખવાના બદલે પરંપરાગત બળદગાડામાં જાન કાઢીને સમાજ સામે એક અનોખો અને પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે. આ અનોખી જાન સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.


મોંઘી ગાડીઓ ના પાડી, પરંપરાગત રીત અપનાવી

મળતી માહિતી મુજબ, નારાયણપુર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ આરક્ષક (કોન્સ્ટેબલ) ના લગ્ન નક્કી થયા ત્યારે સામાન્ય રીતે લોકો મોટી અને લક્ઝરી ગાડીઓનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ આ કોન્સ્ટેબલે વડાપ્રધાનની ઇંધણ બચતની અપીલથી પ્રેરિત થઈને કંઈક અલગ કરવાનો નિર્ણય કર્યો. તેમણે લગ્નમાં મોંઘી ગાડીઓ ભાડે કરવાના બદલે દેશી અંદાજમાં બળદગાડા સજાવડાવ્યા હતા. વરરાજા પોતે અને તેમના પરિવારજનો સજાવેલા બળદગાડામાં સવાર થઈને કન્યાના ઘરે પહોંચ્યા હતા.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અનોખી જાન

પર્યાવરણની જાળવણી અને સંસ્કૃતિને જીવંત રાખતી આ અનોખી પહેલે સ્થાનિક સ્તરે તો ભારે ચર્ચા જગાવી જ છે, સાથે જ સોશિયલ મીડિયા પર પણ આ લગ્નની તસવીરો અને વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. નેટીઝન્સ આ પોલીસ કોન્સ્ટેબલના સાદગીપૂર્ણ અને પર્યાવરણ અનુકૂળ (Eco-friendly) નિર્ણયના મન મૂકીને વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, દેખાડાની દુનિયામાં આ પ્રકારના નવતર પ્રયોગો સમાજને એક નવો અને સકારાત્મક સંદેશ આપે છે.

Advertisement